ગુજરાત વિદ્યાપીઠમાં હવે કોમર્સ ફેકલ્ટી શરૂ કરવામાં આવશે
અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાના ૧૦૪ વર્ષ પછી હવે કોમર્સ ફેકલ્ટી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી શૈક્ષણિક સત્રથી કોમર્સ ફેકલ્ટીમાં એટલે કે બી.કોમમાં ૬૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને નવી ફેકલ્ટી શરૂ કરવામાં આવશે.
જોકે, વિદ્યાપીઠની પ્રણાલિકા પ્રમાણે એન્ટ્રન્સ ટેસ્ટના મારફતે જ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબેન પટેલ વિદ્યાપીઠના સ્નાતક હોવાથી તેમના નામે મણીબેન મહાવિદ્યાલય શરૂ કરીને તેમાં કોમર્સ ફેકલ્ટી ચલાવવામાં આવશે.વિદ્યાપીઠમાં તાજેતરમાં મળેલી મંડળની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા.
જેમાં સૌથી મહત્વનો નિર્ણય તરીકે વિદ્યાપીઠની સ્થાપના ૧૯૨૦માં થયા બાદ હવે ૨૦૨૫માં કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ કરાશે. સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબેનના નામે મણીબેન મહાવિદ્યાલયનો પ્રારંભ કરવામાં આવશે. મણીબેન પટેલે ગૂજરાત વિદ્યાપીઠમાં જ અભ્યાસ કર્યાે હતો.
આમ, તેઓ વિદ્યાપીઠના સ્નાતક હોવાથી અને હાલમાં વિદ્યાપીઠમાં સ્નાતક વર્ષની ઉજવણી ચાલતી હોવાથી તેમના નામે મણીબેન મહાવિદ્યાલયની સ્થાપના કરીને કોમર્સ ફેકલ્ટી શરૂ કરવામાં આવશે.
હાલમાં વિદ્યાપીઠમાં બીસીએ કોર્સ ચાલે છે પરંતુ બી.કોમ કે એમ.કોમ ઉપરાંત બીબીએ જેવા વર્તમાન સમયમાં લોકપ્રિય ગણાતા કોર્સ ચલાવવામાં આવતાં નથી. હવે પહેલી વખત બી.કોમ-એમ.કોમ. કોર્સ શરૂ કરીને પ્રાથમિક તબક્કે ૬૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. જોકે, વિદ્યાપીઠ સેન્ટ્રલ યુનિવર્સિટીની શ્રેણીમાં આવતી હોવાથી તેઓ પોતાની અલગ પરીક્ષા લઇને વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવશે.
એટલે કે વિદ્યાપીઠમાં બી.કોમ કરવા માટે વિદ્યાર્થીઓને અલગથી એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેશે. વિદ્યાપીઠ દ્વારા ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ અર્થતંત્ર પર વધારે ભાર આપવામાં આવતો હોવાથી સમાજકાર્યને લગતાં અનેક કોર્સ ચલાવવામાં આવે છે.
ગુજરાત બિઝનેસ હબ ગણાતુ હોવાછતાં વર્ષાેથી બી.કોમ કોર્સ શરૂ કરવામાં આવ્યો નહોતો. હવે અન્ય યુનિવર્સિટીઓની જેમ બી.કોમ માટે અલગ ફેકલ્ટીની ભરતી કરવા ઉપરાંત બી.કોમની સાથે સાથે એમ.કોમ કોર્સ પણ શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત આગામી દિવસોમાં બીબીએ કોર્સ પણ શરૂ કરાશે. જોકે, બીબીએ કોર્સને પણ બી.કોમ કોર્સની વ્યવસ્થા અંતર્ગત જ ચલાવવામાં આવશે. ધો.૧૨નું પરિણામ જાહેર થાય બાદ વિદ્યાપીઠ દ્વારા પ્રવેશ પરીક્ષા સહિતની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.SS1MS