ડે. કમિશનરોને કમિશનરની ચીમકી: સચિવાલયની પધ્ધતિથી કામ કરશો તો નહીં ચાલે

નવનિયુક્ત કમિશનરે મ્યુનિ. અધિકારીઓ સહિત ગાંધીનગર ના અધિકારીઓનું પણ અપમાન કર્યું : ચર્ચા
( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ડે. મ્યુનિસિપલ કમિશ્નર કક્ષાના અધિકારીઓ બુધવાર નો દિવસ ભૂલી જવા માંગતા હશે. મ્યુનિસિપલ કમિશનર ના અધ્યક્ષ સ્થાને મળેલી વિકલી રીવ્યુ બેઠકમાં કમિશનરે આયાતી અધિકારીઓને ચેતવણી આપી હતી કે સચિવાલય ની જેમ કામ કરવાનું બંધ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન ની જેમ કામ કરો અન્યથા પરત મોકલી આપવામાં આવશે.
વિકલી બેઠકમાં કમિશનર નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું તેમજ એક અધિકારી ને શો-કોઝ આપવા પણ હુકમ કર્યો હતો. જેના કારણે બેઠકમાં હાજર તમામ અધિકારીઓ હતપ્રત થઇ ગયા હતા. જો કે અહીં એક સવાલ એ પણ થાય છે કે શું સચિવાલયના અધિકારીઓ કામ કરતા નથી?
અમદાવાદ ના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરે ગોતાના આસી.મ્યુનિસિપલ કમિશનરને શો-કોઝ નોટિસ આપ્યા બાદ બુધવારે વિકલી રીવ્યુ બેઠકમાં ટેક્ષ એસેસર ને પણ શો-કોઝ આપવા આદેશ કર્યો હતો.જો કે, આ કેસમાં ડે. મ્યુનિસિપલ કમિશનર આરજવ શાહની ભૂલ નો ભોગ ટેક્ષ એસેસર બન્યા છે. મ્યુનિસિપલ કમિશનરે સીટીઝન ચાર્ટર ની વિગતો આરજવ શાહને પૂછી હતી કારણકે આ વિષય તેમની સતામાં આવે છે.
પરંતુ ડે. કમિશનરે આ મામલે ટેક્સ એસેસર ને ખો આપી હતી. સ્વાભાવિક છે કે, આ વિષય તેમની સત્તા માં આવતો ન હોવાથી તેમની પાસે જવાબ ન હોય તે સ્વાભાવિક છે પરંતુ કમિશનર ને શો-કોઝ સિવાય કોઈ રસ ન હોય નહતો તેથી કોની જવાબદારી બને છે તેની વિગત મેળવ્યા વિના જ શો-કોઝ આપવા ફરમાન કર્યું હતું.
અન્ય ડે. કમિશનરો મામલે પણ કમિશનર નું વર્તન અજીબ કહી શકાય તેવું રહ્યું હતું તેમ સૂત્રોએ જણાવ્યું હતું.મ્યુનિસિપલ કમિશનરે હાઉસિંગ સર્વે અંગે સવાલ કરતા ડે. કમિશનર અને એડિશનલ ઈજનેર જવાબ આપી શક્યા નહતા તેથી કમિશનર ના રડાર માં ડે. કમિશનર જયેશ ઉપાધ્યાય આવ્યા હતા. કમિશનરે તેમને આક્રોશ સાથે જણાવ્યા હતું કે અહીં સચિવાલય ની પદ્ધતિથી કામ કરશો તો ચાલશે નહિ.
ત્યારબાદ દક્ષિણ ઝોનના ડે. કમિશનર ને ઝોનના રોડ અંગે સવાલ કરતા તેમણે માહિતી હાથવગી ન હોવાનું જણાવ્યું હતું.જેના કારણે કમિશનર વધુ ગુસ્સે થયા હતા તેમજ તમામ આયાતી ડે. કમિશનર ને સ્પષ્ટ કહ્યું હતું કે કામ કરવાની પધ્ધતિ માં સુધારો નહિ થાય તો તમામ ને ગાંધીનગર પરત મોકલી આપવામાં આવશે. અહીં મ્યુનિસિપલ કમિશનર એ બાબત ભૂલી ગયા હતા કે તેઓ જે અધિકારીઓ સાથે ચેતવણીના સૂર માં વાત કરતા હતા
તેઓ પણ આઈ.એ.એસ કે જી.એ.એસ. કેડરના અધિકારી છે અને તેમની કાર્યક્ષમતા જોઈને સરકારે જ તેમને અહીં નિયુક્ત કર્યા છે. તેમજ કમિશનરે મિટિંગ દરમ્યાન મ્યુનિ. અધિકારીઓની સાથે સાથે ગાંધીનગર માં ફરજ બજાવતા અધિકારીઓ ની પણ બે ઈજ્જતી કરી હતી તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.