સમાન નાગરિક ધારા માટે રાજ્યમાં ચાર સભ્યોની સમિતિ બનાવાશે
સરકાર આગામી કેબીનેટ બેઠકમાં સમિતિની રચના અંગે ચર્ચા કરી પોતાના ર્નિયણની જાહેરાત કરશે, સમિતિ બનાવવાની સત્તા મુખ્યમંત્રીને સોંપાઈ
ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ પોતાની સૌથી જૂની માંગનો અમલ કરવા જઈ રહ્યું છે. અત્યારે દેશમાં દરેક ધર્મના લોકોને તેમના ધાર્મિક નિયમો અનુસાર વારસાઈ, મિલકત, લગ્ન, છુટાછેડા જેવા મામલે અલગ અલગ નિયમો લાગુ પડે છે.
આ નિયમોના બદલે ધર્મ કોઇપણ હોય પણ દરેક નાગરીકોને સમાન હક્ક મળે એવી વિચારણા સમાન નાગરિક ધારામાં કરવામાં આવે છે. ગુજરાતના મંત્રી મંડળે સમાન નાગરિક ધારા માટે ઓછામાં ઓછા ૪ સભ્યોની સમિતિ બનાવા માટે મુખ્યમંત્રીને સત્તા આપતો એક ઠરાવ આજે પસાર કર્યો હતો.
રાજ્યના મંત્રી મંડળના આ ર્નિણયની જાહેરાત કેન્દ્રના કૃષિ રાજ્ય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ કરી હતી.
મે ૨૦૨૨માં ચૂંટણી પહેલા ઉત્તરાખંડ રાજ્યમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળ એક પાંચ સભ્યોની સમિતિ નીમી હતી.
આ સમિતિ રાજ્યમાં આ પ્રકારે સમાન હક્ક આપવા માટેના વિકલ્પ વિચારવા અંગે અને સમાન નાગરિક ધારો અમલમાં આવી શકે કે નહી તે અંગે અહેવાલ તૈયાર કરવા માટે કામગીરી સોંપવામાં આવી હતી.
આવી જ રીતે, હવે ગુજરાતમાં પણ રાજ્ય સરકાર આ રીતે એક સમિતિની રચના કરવા વિચારણા કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર આગામી કેબીનેટ બેઠકમાં આ સમિતિની રચના અંગે ચર્ચા કરી પોતાના ર્નિયણની જાહેરાત કરશે. ગુજરાત સરકાર હાઈકોર્ટના એક નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક સમિતિની રચના કરી આ અંગે અહેવાલ રજૂ કરવા ર્નિયણ લઇ શકે એવી શક્યતા છે.
સમાન નાગરિક ધારા માટે વર્તમાન વિવિધ કાયદાઓ અને તેના સંશોધન તેમજ સમાન નાગરિક ધારાનો અમલ કઈ રીતે કરવો તેના અંગે પણ ન્યાયાધીશ અભ્યાસ કરે તેવી શક્યતા છે.