મકાન પડી જવાના બનાવમાં કોન્ટ્રાક્ટર તેમજ મકાન માલિક સામે ફરિયાદ
હલકી ગુણવત્તાવાળું મકાન બાંધકામ કર્યું-૧૨ જેટલા મજૂરો કડિયા કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની
(પ્રતિનિધિ)નડિયાદ, હલકી ગુણવત્તા વાળું અને સેફ્ટીના કોઈપણ સાધનો રાખ્યા સિવાય મજૂરો દ્વારા સ્લેબ ભરવાનું કામ થતું હતું નડિયાદમાં મરીડા રોડ પર સ્પોટ્ર્સ કોમ્પ્લેક્ષ પાછળ આવેલ અદનાપાર્ક સોસાયટીમાં નવનિર્માણ મકાન ધરાશાઈ થવાના બનાવમાં આઠ મજૂરોને ઈજા થઈ હતી આ બનાવમાં મકાન માલિક અને કોન્ટ્રાક્ટરની ભારે બેદરકારી હોય આ બંને સામે પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી મુજબ નડિયાદમાં વોર્ડ નંબર ૬મા ગતરોજ સોમવારે બપોરના સુમારે એક નવનિર્માણ મકાન પત્તાના મહેલની માફક તૂટી પડ્યું હતું. ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઇ હતી. ૧૨ જેટલા મજૂરો કડિયા કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જે પૈકી ૮ મજૂરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બે લોકો અંદર કાટમાળમાં દટાયા હતા જેને તુરંત સ્થાનિકોએ બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યા હતા.
પોલીસે બનાવના ગણતરીના કલાકોમાં જ મકાન માલિક અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી દીધી છે. આ બંને લોકોની ગંભીર બેદરકારી ઉજાગર થતાં પોલીસે જાતે ફરીયાદી બની આઈપીસી ૩૩૬,૩૩૭ દાખલ કરી નડિયાદ ટાઉન પોલીસમાં ગુનો રજીસ્ટર કર્યો છે.
સલુણ ચોકીના ઁજીં એચ. એમ. ભાટીએ મકાન માલિક ફરદીનભાઈ ફારુકભાઈ દલાલ (રહે.નુતનનગર સોસાયટી, નડિયાદ) અને કોન્ટ્રાકટર ધનજીભાઈ કુવરજી સાપરા (રહે. બાપાજીનગર, પવનચક્કી રોડ, નડિયાદ) વિરુદ્ધ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, મકાન માલિકે પ્લોટમાં મકાનનું બાંધકામ કોન્ટ્રાક્ટરને સોંપ્યું હતું.
મકાન માલિક ફરદીનભાઈએ રૂપિયા ૨૦૦ પ્રતિ સ્ક્વેર ફૂટની મજૂરીથી પોતાનું મકાન બનાવવા કોન્ટ્રાક્ટર ધનજીને કામ સોંપ્યું હતું. કોન્ટ્રાક્ટર અંદાજિત બાર જેટલા મજૂરો સાથે અહીંયા કામ કરતા હતા.
આ બંને લોકોએ હલકી ગુણવત્તાવાળું મકાન બાંધકામ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત મજૂરોની સલામતી માટે સેફટીના કોઈ સાધનો વગર આ કામગીરી કરવામાં આવતી હતી. આમ મકાન માલિક અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે આ મકાન એકાએક ધરાશા થઈ ગયું હોવાનું ફરિયાદમાં આક્ષેપો છે.