GIDCમાં ટ્રકમાંથી રેતી ખાલી કરવાના મુદ્દે ધમકી આપતા ચાર ઈસમો સામે ફરિયાદ
ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત GIDCમાં એક નવી બનતી કંપનીમાં કામ કરતા કોન્ટ્રાક્ટરના માણસને રેતીની ટ્રક ખાલી કરવા બાબતે ત્રણ ઈસમોએ ધમકી આપતા ત્રણ સહિત કુલ ચાર ઈસમો સામે ઝઘડિયા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.
આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસીમાં નવી આરતી કંપનીમાં ભરૂચના કિરણ મજુમદારનો સિવિલ કામનો કોન્ટ્રાક્ટ ચાલે છે.આ કોન્ટ્રાક્ટમાં રોનકભાઈ ઠાકોરભાઈ પરમાર ક્વોલિટી એન્જિનિયર તરીકે નોકરી કરે છે.દરમ્યાન તા.૧૩ મીના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં એક હાઈવા ટ્રક રેતી ભરીને તેમના કોન્ટ્રાક્ટના કામે ખાલી કરવા આવી હતી.
આ રેતીની ટ્રકને યુવરાજસિંહ દિલીપસિંહ ચૌહાણ, પ્રકાશ ઉદેસિંગ વસાવા અને નિલેશ જગદીશ વસાવા ત્રણેય રહે.ઝઘડિયાનાએ આરતી કંપનીની આગળ રસ્તામાં અટકાવી હતી.જેથી ગાડીના ડ્રાઈવરે આ બાબતે રોનકભાઈને જાણ કરતા તેઓ ગાડી પાસે આવ્યા હતા.ત્યારે ઉપરોક્ત ત્રણ ઈસમો કહેવા લાગ્યા હતા કે તમારે આરતી કંપનીમાં રેતી ખાલી કરવી હોયતો આશિષ ર્કાટિંગમાંજ કરવી પડશે.
આ સાંભળીને રોનકભાઈએ તેમના શેઠ કિરણ મજુમદારને જાણ કરતા તેમણે જણાવેલ કે ગાડી અમારી બીડી બિલકોન કંપનીમાં જ ખાલી થશે.આ સાંભળીને યુવરાજસિંહે કહેલ કે આશિષ ર્કાટિંગમાં ગાડી ખાલી કરવાના હોયતો ખાલી કરો નહિતો ગાડી ખાલી નહિ કરવાની.આ ત્રણેય જણ કહેતા હતા કે અમે અંકલેશ્વરના ધવલ પટોડિયા સાથે કામ કરીએ છીએ, તેમણે આશિષ ર્કાટિંગ સિવાય ગાડી ખાલી નહિ કરવા અમને જણાવેલ છે.તેથી તમને ગાડી ખાલી નહિ કરવા દઈએ.
પોલીસ ફરિયાદ મુજબ ઉપરોક્ત ત્રણ ઈસમોએ રેતીની ગાડી ગેરકાયદેસર રોકીને ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતને લઈને તેઓ જાનમાલને નુકશાન પહોંચાડી શકે તેવા આક્ષેપ સાથે રોનક ઠાકોરભાઈ પરમાર રહે.નંદેલાવ તા.જી ભરૂચનાએ ધવલ ગોપાલભાઈ પટોડિયા રહે. અંકલેશ્વરના તેમજ યુવરાજસિંહ દિલીપસિંહ ચૌહાણ, પ્રકાશ ઉદેસિંગ વસાવા અને નિલેશ જગદીશભાઈ વસાવા ત્રણેય રહે.ઝઘડિયાના વિરૂધ્ધ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.