Western Times News

Gujarati News

ક્રાઇમ બ્રાન્ચની કર્મચારી તરીકે ઓળખ આપી ધમકાવનાર યુવતી- યુવક સામે ફરિયાદ

અમદાવાદ, ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી તરીકે ઓળખ આપી તોડ કરનાર મહિલા અને યુવક સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં યુવતીએ પહેલાં ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી તરીકે ઓળખ આપી યુવકને ધમકાવ્યો હતો. ત્યારબાદ ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા યુવકે કેસ પતાવવા માટે ફોન કરી ૨૦-૨૫ હજાર માગી કેસ પુરો થઇ જશે તેમ કહ્યું હતું.

જોકે, બીજા દિવસે યુવક અને યુવતીને સાથે જોયા બાદ ભોગ બનનારે યુવતીનો નંબર સેવ કરી વોટ્‌સએપ પર તેનું પ્રોફાઇલ પિકચર જોતા ક્રાઇમ બ્રાન્ચમાંથી ફોન કરનાર યુવતી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે યુવકે યુવક-યુવતી સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ આરંભી છે.

શહેરના વટવા વિસ્તારમાં મો. સિકંદરઅલી રીજવી ગનીખાન મુસ્લા પરિવાર સાથે રહે છે. તેનો નાનો ભાઇ ગુલામ ઝીલાની કોઇ કામ ધંધો કરતો નહોવાથી ઘરમાં ઝઘડો થતા સિકંદરઅલી અલગ રહેવા જતો રહ્યો હતો. જ્યારે એક ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટર નાજીમ સુલતાનખાન પઠાણ સિંકદરના ભાઇ ગુલામ ઝીલાનીના મિત્ર હોવાથી તે તેમને સારી રીતે ઓળખે છે.

૨૨ ડિસે.૨૦૨૪ના રોજ રાત્રે સિકંદરઅલી ઘરે હતો ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. જેમાં સામેવાળી વ્યક્તિ મહિલા હતી તેણે જણાવ્યું હતું કે, હું ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું, ઝીલાનીનો કેસ થયો છે તેને લઇ ક્રાઇમ બ્રાન્ચ આવી જાવ ત્યારે સિકંદરઅલીએ જણાવ્યું હતું કે, ઝીલાની સાથે મારે કોઇ જ લેવા દેવા નથી.

જોકે, સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે, તે તમારો ભાઇ છે અને તમારું નામ પણ ખૂલ્યું છે તેથી તમે પણ ક્રાઇમ બ્રાન્ચ આવી જાવ. વારંવાર મહિલાએ ફોન પર વાત કરી સિકંદરઅલી અને તેની પત્નીને હેરાન પરેશાન કરી દીધા હતા. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચમાં ઉઠાવી લેવાની ધમકી આપી હતી. થોડીવાર બાદ તેના ઓળખીતા નાજીમ સુલતાનખાન પઠાણનો ફોન આવ્યો હતો અને પછી તે સિકંદરને ઘરની બહાર મળવા ગયો હતો.

ત્યારે નાજીમે જણાવ્યું હતું કે, સિકંદર કેમ આટલો ડરેલો લાગે છે ત્યારે તેણે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવેલા ફોન અંગે કહ્યું હતું. જેથી નાજીમે ન્યૂઝ રિપોર્ટર હોવાથી પતાવી આપવાની વાત કરી હતી અને કોઇને ફોન કર્યાે હતો અને મેટર પતાવાની વાત કરી હતી.

આ ઉપરાંત ખર્ચાે પાણી આપવાનું પણ કહ્યું ત્યારે સિકંદરે કહ્યું હતું કે ૫૦૦-૧૦૦૦ આપી દઇશું. જોકે, નાજીમે જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાન્ચની મેટર છે આટલા પૈસા ન ચાલે ૨૦-૨૫ હજાર રૂપિયા આપવા પડશે. જેથી સિકંદરે ત્રણ-ચાર દિવસ પછી આપી દઇ તેમ જણાવ્યું હતું. જે રીતે નાજીમે વાત કરી અને મેટર પતી ગઇ તે જોતા સિકંદરને શંકા ગઇ હતી.

બીજા દિવસે તે ઘરની બહાર નીકળ્યો હતો ત્યારે નાજીમ અને યુવતી કોઇનો ઇન્ટરવ્યૂ લઇ રહ્યા હતા. જેથી સિકંદરે યુવતીનો નંબર સેવ કરી વોટ્‌સએપમાં ચેક કરતા ક્રાઇમ બ્રાન્ચમાંથી આવેલા ફોનવાળી જ યુવતી હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે સિકંદરે નાજીમ અને યુવતી રૂકસાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.