પતિના પરિવારવાળા હથિયારથી પત્નીએ ફાયરિંગ કરતા ફરિયાદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Firing-1024x575.jpg)
રાજકોટ, રાજકોટ શહેરમાં તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલા સરાજાહેર ફાયરિંગ કરતી હોય તે પ્રકારના દ્રશ્યો કેદ થયા હતા. વાયરલ થયેલા વીડિયો મામલે ગણતરીની જ કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો આચારનાર પતિ અને પત્નીને ઝડપી પાડવામાં આવ્યા છે.
સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં પત્ની તૃપ્તિ સાવલિયા તેમજ પતિ દિલીપ સાવલિયા વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
જે વીડિયોમાં કારની આગળ એક મહિલા ઊભી હોય અને તે પોતાના હાથમાં રહેલી રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જાેવા મળ્યાં હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલે કારના નંબર પરથી તેના માલિકની શોધખોળ કરવામાં આવી હતી.
દરમિયાન પીએસઆઇ એ. બી. વોરા અને તેમની ટીમને જાણવા મળ્યું હતું કે, વીડિયોમાં દેખાનાર મહિલાનું નામ તૃપ્તિ સાવલિયા છે. તેમજ તેના પતિનું નામ દિલીપ સાવલિયા છે. દંપતી રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આલાપ ગ્રીન સિટી પાસે કેપિટલ ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહે છે.
દંપતીની પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે બેથી અઢી મહિના અગાઉ જૂનો છે. રાત્રિના સમયે કાલાવડ રોડ ઉપર આવેલા વિરડા વાજડી ગામ તરફ નવા હાઇરાઇઝ બિલ્ડિંગ બને છે ત્યાં મહિલાએ પોતાના પતિના પરવાના વાળી રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું હતું.
આ સમયે વીડિયો કોઈ અન્યએ નહીં પરંતુ મહિલાના પતિ દિલીપ સાવલિયાએ જ બનાવ્યો હતો. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં આઇપીસીની કલમ ૩૬૩, ૧૧૪, તથા આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
તેમજ મહિલાના પતિ દિલીપ સાવલિયાની ધરપકડ પણ હાલ કરવામાં આવી છે. જ્યારે કે ગુનાના કામે મહિલા તૃપ્તિ સાવલિયાની ધરપકડ કરવાની બાકી છે. હાલ પોલીસ દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલી રિવોલ્વર પણ કબજે કરવામાં આવી છે.SS1MS