દાહોદમાં ઠેર ઠેર પાણીના પોકારો પડતા કલેક્ટરને આવેદન અપાયું
(પ્રતિનિધિ) દાહોદ, દાહોદ શહેરમાં બબ્બે ડેમોના પાણીની ફાળવણી કરવામાં આવી હોવા છતાં છેલ્લા કેટલાય સમયથી દાહોદ વાસીઓ પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. અને હાલ આકરે ઉનાળે પાણીની તકલીફો વધતા દાહોદ શહેરમાં ઠેર ઠેર પાણીના પોકારો પડી રહ્યા છે. અને દાહોદ શહેરને વ્યવસ્થિત રીતે પાણી પૂરું પાડવામાં નિષ્ફળ પુરવાર થયેલા પાલિકાના સત્તાધીશો સામે દાહોદ વાસીઓ ફિટકાર વરસાવી રહ્યા છે.
અને લોકોના આવા ફિટકારો વચ્ચે જો એક વોર્ડના એક સેવાભાવી કાઉન્સિલર પોતાના વોર્ડના લોકોને પોતાના ખર્ચે ટેન્કરો મારફતે પાણી પહોંચાડી પાણીના મામલે કેટલેક અંશે રાહત પહોંચાડી પોતાની નૈતિક ફરજ અદા કરી રહ્યા છે. ત્યારે અન્ય વોર્ડના કાઉન્સિલરો પણ પોતાના વોર્ડના લોકોને આ રીતે પાણી પહોંચાડી કેટલેક અંશે રાહત પહોંચાડવા કયારે પહેલ કરશે? તેવી ચર્ચાઓ પણ શહેરમાં કેન્દ્રસ્થાને રહેવા પામી છે.
તેવા સમયે આજરોજ દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કાઉન્સિલર તસનીમ ખોજેમાં નલાવાલા દ્વારા કોંગ્રેસના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓને સાથે રાખી દાહોદમા દિન- પ્રતિદિન વિકટ બનતી પાણીની સમસ્યાના કાયમી નિકાલની માગણી સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપી પાણીની સમસ્યાના સત્વરે નિકાલની માગણી કરવામાં આવી છે.
દાહોદ શહેરની પાણીની ગંભીર સમસ્યાને ધ્યાને લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કડાણા ડેમનું પાણી પાઇપલાઇન દ્વારા દાહોદ સુધી લાવવાની યોજનાને મંજૂરી આપતા કડાણાનું પાણી દાહોદને ફાળવવાનું નક્કી થયુ. દાહોદમાં આમ બબ્બે ડેમોનું પાણી ફાળવવામાં આવતું હોવા છતાં દાહોદમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો નથી.
પરંતુ પાણીની સમસ્યા દિન પ્રતિદિન વધુને વધુ ઘેરી બનતી જોવા મળી રહી છે. આ પાછળનું સાચુ કારણ તપાસવાની તાતી જરૂર છે. છેલ્લા કેટલાક વર્ષોથી ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વ પર પાલિકાના જવાબદાર પ્રમુખો દ્વારા દર વર્ષે ધ્વજવંદન પછી મંચ પરથી પોતાના પ્રવચનોમાં રોજ પાણી આપવાના મોટા મોટા વચનો આપવામાં આવતા રહ્યા છે
પરંતુ એકેય વર્ષે મંચ પરથી આપવામાં આવેલા આ મોટા મોટા વચનો પાળી ન બતાવાતા તે વચનો હાલ માત્ર લોલીપોપ બનીને રહી જવા પામ્યા છે. પાણીના મામલે જ્યારે પણ જવાબદાર કાઉન્સિલરોને પૂછવામાં આવે છે. ત્યારે ત્યારે તેઓ દ્વારા કડાણાથી જ પાણી નથી આવતું તો અમે શું કરીએ તેઓ વાહિયાત જવાબ આપવામાં આવે છે.
જો પ્રજા ટેક્સ ભરવામાં મોડી પડે તો પાલિકા દ્વારા તેની પાસેથી સાડા અઢાર ટકા લેખે વ્યાજ વસૂલવામાં આવે છે. આ રીતે પ્રજા પાસેથી વ્યાજ વસૂલતી નગરપાલિકાના સત્તાધીશોએ એ પણ વિચારવું જોઈએ કે, ૩૬૫ દિવસનો બબ્બે જાતનો પાણી વેરો ભરનાર દાહોદની જનતાને વર્ષમાં કેટલા દિવસ પાણી આપવામાં આવે છે? અને હવે તો છેલ્લા કેટલાક દિવસોથી દર પાંચમે દિવસે શહેરના નદીપારના વિસ્તારોમાં પાણી આપવામાં આવે છે.
શહેરીજનોને સ્માર્ટ સગવડો આપવાની વાતો કરતી દાહોદ નગરપાલિકા રસ્તા, પાણી, વીજળી, જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં હાલના તબક્કે વામણી પુરવાર થઈ રહી છે. પાણીના મામલે વોર્ડ નંબર નવના એક કાઉન્સિલરને વારંવાર ફોન કરવા છતા તેઓ ફોન ઉપાડતા ન હોવાની વ્યાપક ફરિયાદો છે. પાણીના મામલે લોકો પોતાના કાઉન્સિલરોને રજૂઆત નહીં કરે તો કોને રજૂઆત કરશે ?
દાહોદના ગોદી રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી અત્યંત વિકટ બનેલી પાણીની સમસ્યાનો સત્વરે નિકાલ લાવવા આજે દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કાઉન્સિલર તસનીમ ખોજેમાં નલાવાલા દ્વારા દાહોદ કોંગ્રેસના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓને સાથે રાખી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ગોદી રોડની પાણીની સમસ્યાનો સત્વરે નિકાલ લાવવા તેમજ પાટાડુંગરીના પીવાના પાણીના સપ્લાય માટે ફરીથી જોડાણ કરવાની માગણી કરવામાં આવી છે.
અને સાથે સાથે આ આવેદનપત્રની એક એક નકલ દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રાદેશિક કમિશનર વડોદરા, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ દાહોદ મામલતદારને રવાના કરી છે.