કોમર્શિયલ કોમ્પ્લેકસમાં છતની જાળીએ કબૂતરોના જીવ લીધાં
ગાંધીનગર, પક્ષીઓને ચણ નાખવાની અને પાણીના કૂંડા ભરવાની પ્રવૃત્તિઓ ઠેર-ઠેર થાય છે. ચકલી, કાગડો જેવા પક્ષીઓને બચાવવાનો ઉત્સાહ નગરજનોમાં છે, પરંતુ છત પર કબૂતરના માળા બને તે કોઈને પસંદ નથી. મોટાભાગના કમર્શિયલ અને રહેણાંક બિલ્ડિંગમાં કબૂતરના માળા ન થાય તે માટે કબૂતર જાળી લગાડવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
ગાંધીનગરમાં સરગાસણ ચાર રસ્તા ખાતે આવેલા કમર્શિયલ કોમ્પલેકસની છતમાં કબૂતરોને રોકવા માટે વચ્ચેના ભાગે ડેકોરેટિવ જાળી લગાવાઈ છે. ચોમાસાની ઋતુમાં છત પર આશરો લેવા ગયેલા સંખ્યાબંધ કબૂતરોએ આ જાળીમાં ફસાઈને જીવ ગુમાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, સરગાસણ ચાર રસ્તા નજીક એટ્રિયા કોમ્પલેક્ષની છતમાં કબૂતર કે અન્ય પક્ષીઓ વસવાટ ન કરે તે માટે જાળી લગાવવામાં આવી છે. છતની અંદરની બાજુએ બેઠેલા પક્ષીઓ ગંદકી ફેલાવતા હોવાથી રહેણાક- કોમર્શિયલ કોમ્પલેક્ષમાં આ પ્રકારની જાળી લગાવવામાં આવે છે. એટ્રિયા કોમ્પલેક્ષ ખાતે લગાવેલી જાળીમાં ફસાઈને અંદાજે ૩૦થી વધુ કબુતરના મોત થયા હતા.
કોમ્પલેક્ષની છતમાં લગાવેલી જાળીમાંથી રસ્તો કાઢવામાં કેટલાક કબૂતર સફળ થાય છે, પરંતુ જાળીમાંથી બહાર નીકળી શકાતું નથી. જેના કારણે ૩૦ જેટલા કબૂતરો ભુખ-તરસથી તરફડી મોતને ભેટયા હતા. નવાઈની વાત તો એ છે કે આ કોમ્પલેક્ષમાં વેપારીઓ તથા મુલાકાતીઓની સતત અવરજવર રહે છે, પરંતુ આટલા બધા મરેલા કબૂતરને જોવા છતાં જીવદયાની ઝલક સુદ્ધાં જોવા મળી ન હતી. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ અગાઉ પણ આ કોમ્પલેક્ષમાં આ રીતે કબૂતરો મોતને ભેટયા હતા.