મોટી રકમનું રાજકીય પાર્ટીનું ડોનેશનને છુપાવવુ એ ગેરબંધારણીય
SBIએ રાજકીય પક્ષો દ્વારા રોકડ તરીકે વટાવાયેલા ચૂંટણી બોન્ડની વિગતો પણ જાહેર કરવી પડશે- આ સાથે રોકડ તરીકે ન વટાવાયેલા ચૂંટણી બોન્ડની રકમ ખરીદારોના ખાતામાં રિફંડ કરવી પડશે.
ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટની રોક-સરકારને પૈસા ક્યાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે ઃ તમામ રાજકીય પાર્ટીના ચૂંટણી બોન્ડની વિગતો જણાવવા SBIને નિર્દેશ
નવી દિલ્હી, સુપ્રીમકોર્ટે ચૂંટણી બોન્ડ મામલે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું હતું કે મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધારણીય છે. સરકારને પૈસા ક્યાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે. ચૂંટણી બોન્ડ પર અમે રોક લગાવી રહ્યા છીએ.
ચૂંટણી બોન્ડને આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન ગણાવતાં સુપ્રીમકોર્ટે એસબીઆઇને પણ આદેશ આપ્યો હતો કે તે આગામી ત્રણ અઠવાડિયામાં ચૂંટણી બોન્ડને લગતી તમમ જાણકારી જાહેર કર. તેના માટે ૬ માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. એસબીઆઈએ ૨૦૧૯થી અત્યાર સુધીની તમામ જાણકારી જાહેર કરવા કહેવામાં આવ્યું છે. એસબીઆઈએ હવે દરેક બોન્ડની જાણકારી જાહેર કરવા કહી દેવામાં આવ્યું છે.
આ સાથે સુપ્રીમકોર્ટે ચૂંટણીપંચને પણ ચૂંટણી બોન્ડને લગતી તમામ જાણકારીઓ તેની વેબસાઈટ પર અપડેટ કરવા કહેવામાં આવ્યું છે. એસબીઆઇને કહેવાયું છે કે તે ચૂંટણી બોન્ડની જાણકારી ૩ અઠવાડિયામાં ચૂંટણી પંચ સાથે શેર કરે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય અને આરટીઆઈનું ઉલ્લંઘન કરનારું જાહેર કરતાં પાંચ જજોની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો.
સુપ્રીમકોર્ટની બેન્ચે કહ્યું કે જે બોન્ડ કેશ નથી થતાં તેને પાછા લઈ લેવામાં આવે. ચૂંટણીપંચને પણ ૧૩ માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ ડેડલાઈન સુધીમાં ચૂંટણીપંચે તેની વેબસાઈટ પર ચૂંટણી બોન્ડને લગતી તમામ માહિતીઓ એસબીઆઈ પાસેથી મેળવીને અપલોડ કરવાની રહેશે. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે લોકોને એ જાણવાનો અધિકાર છે કે રાજકીય પક્ષોને કોણે અને કેટલું ડોનેશન આપ્યું? સુપ્રીમકોર્ટનો આ ચુકાદો કેન્દ્ર સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
જે ચૂંટણી બોન્ડ ૧૫ દિવસની વેલિડિટીના પીરિયડમાં છે પરંતુ અત્યાર સુધી રાજકીય પક્ષો દ્વારા તેને રોકડમાં વટાવાયા નથી તે બોન્ડ ખરીદારને પરત કરવામાં આવે. આ બોન્ડ ઈશ્યૂ કરનાર બેન્ક બોન્ડની રકમ ખરીદારને રિફંડ કરે.
દરમિયાનમાં,સુપ્રીમકોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવતાં તેની કાયદેસરતાને રદ કરી દીધી. ટોચની કોર્ટે તેના ચુકાદામાં સ્વીકાર્યું કે ચૂંટણી બોન્ડની ગોપનીયતા કલમ ૧૯(૧)(એ) હેઠળ માહિતી મેળવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
ભારતીય સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે ચૂંટણી બોન્ડ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને તે બ્લેક મની પર અંકુશ લગાવવાની એકમાત્ર રીત નથી.
સુપ્રીમકોર્ટે બેન્કોને ચૂંટણી બોન્ડનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરવા આદેશ કર્યો હતો. સુપ્રીમકોર્ટે ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ) ને ખાસ નિર્દેશ આપ્યો કે ૫ વર્ષ પહેલાં ચૂંટણી બોન્ડની યોજના શરૂ થયા બાદથી તેણે કઇ પાર્ટીને કેટલાં બોન્ડ જારી કર્યા છે? તેની તમામ માહિતી ઉપલબ્ધ કરાવે. એસબીઆઈએ ચૂંટણી બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને પ્રાપ્ત ડોનેશનની વિગતો ત્રણ સપ્તાહમાં ચૂંટણીપંચને આપવાની રહેશે. ટોચની ચૂંટણીપંચને પણ કહ્યું કે તે આ ચૂંટણી બોન્ડને લગતી વિગતો તેની વેબસાઇટ પર અપલોડ કરે.
ઉલ્લેખનીય છે કે સીજેઆઈના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ કેસમાં સુનાવણી કરી ચુકાદો સંભળાવ્યો છે. અગાઉ ૨ નવેમ્બરે આ મામલે બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમકોર્ટની આ બંધારણીય બેન્ચમાં સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડ ઉપરાંત, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર.ગવઇ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા.
SBIએ રાજકીય પક્ષો દ્વારા રોકડ તરીકે વટાવાયેલા ચૂંટણી બોન્ડની વિગતો પણ જાહેર કરવી પડશે. આ સાથે રોકડ તરીકે ન વટાવાયેલા ચૂંટણી બોન્ડની રકમ ખરીદારોના ખાતામાં રિફંડ કરવી પડશે. સુપ્રીમકોર્ટે કહ્યું કે ચૂંટણી બોન્ડના માધ્યમથી કોર્પોરેટ દાનદાતાઓ વિશે પણ જાણકારીનો ખુલાસો કરવામાં આવે કેમ કે કંપનીઓ દ્વારા રાજકીય પક્ષોને આપવામાં આવતું ચૂંટણી ડોનેશન સંપૂર્ણપણે લાભ ના બદલામાં લાભની સંભાવના પર આધારિત હોય છે.