એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ વિશે અમદાવાદમાં યોજાશે કૉન્ક્લેવ

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ૧૧ માર્ચના રોજ અમદાવાદમાં i-Hub ખાતે કૉન્ક્લેવનું આયોજન
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનાં અધિક મુખ્ય સચિવ શ્રી ડો.અંજુ શર્માની અધ્યક્ષતામાં યોજાશે કાર્યક્રમ
કૃષિ–ઉદ્યોગ સાહસિકો/સ્ટાર્ટઅપ્સ, MSME અને નાણાકીય સંસ્થાઓને એકસાથે લાવીને નવી તકો ઊભી કરવાનો કૉન્ક્લેવનો ઉદ્દેશ્ય
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ૧૧ માર્ચના રોજ અમદાવાદમાં i-Hub ખાતે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે (PMFME અને AIF યોજના) કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ પર કૉન્કલેવ યોજાશે. આ કૉન્ક્લેવ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડો. અંજુ શર્માની અધ્યક્ષતામાં યોજાશે.
આ સ્ટેટ કોન્કલેવ કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેમાં કૃષિ-ઉદ્યોગ સાહસિકો/સ્ટાર્ટઅપ્સ, એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ, MSME, નાણાકીય સંસ્થાઓ અને FPOને એકસાથે લાવીને નવી તકોનું નિર્માણ કરવામાં પણ ફળદાયી નીવડશે, એવી આશા રાખી શકાય.
એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓના વ્યાપ વધારવા માટે વ્યૂહરચના ડિઝાઇન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં ચર્ચા અને વિચાર-વિમર્શ બે પેટા-વિષયો પર કરવામાં આવશે.
૧. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના ભવિષ્ય માટે ધિરાણ પ્રદાન કરવું.
૨. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તાની સપ્લાય ચેઇનનું નિર્માણ કરવું.
અત્રે ઉલ્લેખનીય છે કે, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ઊભરતું ક્ષેત્ર છે. ગુજરાતમાં ૩૯ હજારથી વધુ એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ એકમો છે. જેમાંથી લગભગ ૩૫ હજાર સૂક્ષ્મ (માઈક્રો) અને નાના એકમો છે.
સાથે જ, ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ(AIF) યોજનાનો ઉદ્દેશ્ય લણણી પછીના વ્યવસ્થાપન માટે ધિરાણ સુવિધા પૂરી પાડી, સામુદાયિક કૃષિ સંપત્તિને પ્રોત્સાહન આપી કૃષિ માળખાગત સુવિધાને વધારવાનો છે. પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના (PMFME) એ ભારત સરકારની ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયની (MoFPI) કેન્દ્ર પુરસ્કૃત યોજના છે, જેનો ઉદ્દેશ્ય માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝના ફોર્મલાઈઝેશન અને અપગ્રેડેશનને ટેકો આપવાનો છે, એવું ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડની અખબારી યાદીમાં જણાવાયું છે.