કોંગ્રેસ ખેડૂતો માટે કશું કરતી નથી અને બીજાને કરવા દેતી નથીઃ PM મોદી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વાર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસ પર નિશાન તાકીને કહ્યું કે, ‘‘એ ખેડૂતોના નામ પર મોટી-મોટી વાત કરે છે, પરંતુ એ(કોંગ્રેસ) ખેડૂતો માટે કશુંય કરતી નથી, અને બીજાઓને કશુંય કરવા દેતી નથી.’’
રાજસ્થાનની ભાજપ સરકારને એક વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે આયોજિત ‘એક વર્ષ, પરિણામ ઉત્કર્ષ’ના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આક્ષેપો કરીને જણાવ્યું કે, ‘‘કોંગ્રેસ પાર્ટી રાજ્યોની વચ્ચે જળવિવાદોનો ઉકેલ લાવવાને બદલે તેને વકરવા દે છે.
પૂર્વ રાજસ્થાન નહેર યોજના(ઈઆરસીપી)ના અમલીકરણમાં વિલંબ એ કોંગ્રેસની ‘નિયત’નું પ્રત્યક્ષ પ્રમાણ છે. કોંગ્રેસ ખેડૂતોના નામ પર મોટી-મોટી વાત કરે છે, પરંતુ એ(કોંગ્રેસ) ખેડૂતો માટે કશુંય કરતી નથી, અને બીજાઓને કશુંય કરવા દેતી નથી.’’
આ સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉર્જા, રોડ, રેલવે અને જળ સાથે જોડાયેલી રૂપિયા ૪૬૩૦૦ કરોડના ખર્ચ તૈયારી થનારા(અને થયેલા) ૨૪ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન-ભૂમિપૂજન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન જણાવ્યું કે, પાર્વતી-કાલીસિંધ-ચંબલ લિંક યોજના દ્વારા રાજસ્થાનના ૨૧ જિલ્લાઓને સિંચાઈની સાથે-સાથે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે, આ યોજના રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિકાસને ગતિ આપશે.
આ સાથે તેમણે ઉમેર્યું કે, રાજ્યોની વચ્ચે વિવિધ જળ વિવાદો પર ભાજપની નીતિ સંવાદ કરવાની રહી છે, જ્યારે કોંગ્રેસ જળવિવાદને વકરાવી રહી છે. ભાજપની નીતિ સંવાદની છે, સંઘર્ષની નહીં. અમે વિરોધમાં નહીં, સહયોગમાં વિશ્વાસ ધરાવીએ છીએ.
અમે અવરોધમાં નહીં, સમાધાનમાં વિશ્વાસ ધરાવીએ છીએ. એટલા માટે અમારી સરકારે પૂર્વ રાજસ્થાન નહેર યોજના (ઈઆરસીપી)ને મંજૂરી આપી અને તેનો વિસ્તાર પણ કર્યાે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ સરકાર બનતાં જ આ યોજના પર સહમતી બની ગઈ.
આજે ભાજપની ડબલ એન્જિન સરકારો સુશાસનનું પ્રતીક બની ગઈ છે. અહીંયા નોંધવું રહ્યું કે, ઈઆરસીપીમાં ચંબલ બેઝિનની અંદરના પાણીના ઈન્ટ્રા-બેઝિન ટ્રાન્સફરની પરિકલ્પના કરવામાં આવી છે, જેથી પૂર્વ રાજસ્થાનના ૧૩ જિલ્લાઓને પાણીને ઉપલબ્ધ કરાવી શકાશે.SS1MS