ગુજરાતના વધુ સાત ઉમેદવારોના નામ કોંગ્રેસે ફાઈનલ કર્યા
(એજન્સી)અમદાવાદ, લોકસભા ચૂંટણી ૨૦૨૪ની શરૂઆત થઈ ચૂકી છે. તેનું ટાઈમટેબલ જાહેર થઈ ગયા બાદ પહેલા તબક્કાનું આજે નોટિફિકેશન પણ જાહેર થઇ ગયું છે. હવે આ વચ્ચે બાકીના ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની શક્યતાઓ વધી ગઇ છે.
ગુજરાતમાં કોંગ્રેસે અગાઉ ૭ ઉમેદવારો જાહેર કર્યા હતા અને અને હવે તેણે વધુ ૭ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી લીધાની ચર્ચા છે. ગુજરાત લોકસભા બેઠકો માટે નવા ૭ ઉમેદવારોની યાદી આજકાલમાં જાહેર થઇ શકે છે.
તેમાં આણંદથી અમિત ચાવડા, પાટણથી ચંદનજી ઠાકોર, દાહોદથી પ્રભાબેન તાવિયાડ, ખેડાથી કાળુસિંહ ડાભી, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ અને સાબરકાંઠાથી તુષાર ચૌધરીને ચૂંટણી મેદાને ઉતારવામાં આવે તેવી ભરપૂર શક્યતા છે. જોકે હજુ આ મામલે કોઈ પુષ્ટી થઇ શકી નથી.
૭ આગેવાનોના હાલ નામ ચર્ચાઈ રહ્યા છે ત્યારે પાર્ટીએ તેમને ચૂંટણી પ્રચારમાં જોતરાઈ જવા સૂચન કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.