કોંગ્રેસના યુવા નેતા હબીબ મેવનું સિવિલમાં કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના નાકહેર વચ્ચે કોંગ્રેસ પક્ષે વધુ એક આગેવાન નેતા ગુમાવે છે. બહેરામપુરા ના કોર્પોરેટર બદરુદ્દીન શેખ ના અવસાન બાદ યુવા અને આક્રમક નેતા હબીબ મેવ નું રવિવારે સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.
અમદાવાદ શહેર કોંગ્રેસે કોરોના ના કારણે એક યુવા નેતા ગુમાવ્યો છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ના પૂર્વ સભ્ય હબીબ મેવ નું કોરોના ના કારણે મૃત્યુ થયું છે. લોકડાઉન દરમ્યાન નાગરિકો ને સેવા કરતા તેઓ પણ સંક્રમણ નો ભોગ બનતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
તેમની તબિયત સ્થિર હતી. પરંતુ શનિવાર સાંજે તકલીફ થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.હબીબ મેવ ની ગણતરી લડાયક યુવા નેતા તરીકે થતી હતી. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ના કાર્યકાળ દરમ્યાન તેઓ અનેક ભ્રષ્ટાચાર બહાર લાવ્યા હતા.જેના કારણે શાસકપક્ષ ને પ્રથમ વખત માત્ર અઢી વર્ષ માં જ સ્કૂલ બોર્ડ ચેરમેન અને કમિટી સભ્યો બદલવાની ફરજ પડી હતી. તેઓ કોલેજકાળ થી જ રાજકારણ માં સક્રિય હતા તેમજ એન.એસ.યુ.આઈ. સાથે જોડાયેલા હતા. તેમના રાજકીય ગુરૂ જે.વી. મોમીન હતા.