કોંગ્રેસને વધુ એક ફટકોઃ હર્ષદ રિબડિયાએ રાજીનામું આપ્યું

(એજન્સી)અમદાવાદ, ચૂંટણી નજીક આવે એટલે પક્ષપલટાની મૌસમ ખીલી ઊઠે. આ પરંપરા ગુજરાતમાં તો વર્ષોથી કોંગ્રેસ નિભાવી રહી છે. હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિસાવદર બેઠકના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે મોડી સાંજે વિધાનસભા અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યને રાજીનામું આપ્યું હતું. આ સાથે જ તેમની ભાજપમાં જાેડાવાની અટકળો વહેતી થઈ ગઈ છે.
આ અંગે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય હર્ષદ રીબડિયાનો ટેકેદાર રહ્યો છું. ટિકિટ બાબતે તેમની કોઇ નારાજગી હતી નહીં, છતાં તેમણે કેમ રાજીનામુ આપ્યું તે વાત તેઓ જ કહી શકે.
કોંગ્રેસથી નારાજ કેટલાક ધારાસભ્યો ભાજપનો કેસરિયો ધારણ કરશે તેવી લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ વધુ વેગવંતી બની છે અને આગામી તા.૧૧ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાજકોટના જામકંડોરણામાં યોજાનારી જાહેરસભામાં હર્ષદ રિબડિયા ભાજપમાં જાેડાઇ જશે તેવો તખ્તો ગોઠવાઇ રહ્યો છે.
એટલું જ નહીં ભાજપમાં જાેડાવા ઇચ્છુક ધારાસભ્યોએ પણ વડાપ્રધાનની હાજરીમાં કેસરિયો પહેરી પોતાનું પ્રભુત્વ દર્શાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ભાજપ હાઇકમાન્ડે વડાપ્રધાનના આગામી કાર્યક્રમમાં એ ધારાસભ્યોને જાેડાવાનો તખ્તો તૈયાર કરી લીધો છે.
વડાપ્રધાનની હાજરીમાં જંગી મેદની એકઠી કરવા માટે જિલ્લા ભાજપના આગેવાનોએ મિટિંગનો દોર શરૂ કર્યો છે અને તાલુકા દીઠ લોકોને લાવવા માટેના ટાર્ગેટ આપવામાં આવ્યા છે.