Western Times News

Gujarati News

પંજાબમાં ભાજપના સૂપડાં સાફ, ૭ મહાપાલિકામાં કોંગ્રેસનો વિજય

ખેડૂત આંદોલનની અસર ચૂંટણી પર દેખાવા માંડી- ભટિંડા મનપા

૫૩ વર્ષ બાદ કોંગ્રેસને મળી, કોંગ્રેસે અત્યાર સુધીમાં ૯૮ મ્યુનિસિપલ કાઉન્સિલમાં જીત હાંસલ કરી: ભાજપ સામે ખેડૂતોનો રોષ

ચંદિગઢ, બુધવારે પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયા, જેમાં કોંગ્રેસે પંજાબની સાત મહાનગરપાલિકાઓમાં ભાજપના સૂપડાં સાફ કરી નાંખ્યા છે. કોંગ્રેસે મોગા, હોશિયારપુર, કપૂરથલા, અબોહર, પઠાનકોટ, બટાલા અને ભઢિંડા મહાનગરપાલિકા જીતી લીધી છે. Congress has swept the Punjab Municipal polls 2021.

ભટિંડા મહાનગરપાલિકા કોંગ્રેસના ભાગે ૫૩ વર્ષ બાદ આવી છે. જ્યારે કોંગ્રેસ અત્યાર સુધી ૯૮ મ્યુનિસિપલ કાઉન્સિલમાં જીત હાંસલ કરી છે. આવતાં વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સેમી ફાઇનલ તરીકે જાેવામાં આવી રહી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત પંચાયતમાં પણ કોંગ્રેસ પાર્ટી આગળ છે. ગુરદાસપુર શહેરમાં પણ કોંગ્રેસ પાર્ટીએ તમામ વોર્ડમાં જીત હાંસલ કરી છે. અહીં તમામ ૨૯ વોર્ડ કોંગ્રેસના ખાતામાં આવ્યા છે. ગુરુદાસપુરથી ભાજપના સની દેઓલ સાંસદ છે.

પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખેડૂત આંદોલનના માહોલમાં થઇ. કેમકે, કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનની શરૂઆત પંજાબથી જ થઇ હતી. અહીં અકાલી દળ અને ભાજપનો ખૂબ વિરોધ થયો હતો. ઉલ્લેખનીય છે કે, પંજાબમાં ૧૪ ફેબ્રુઆરીએ ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં લગભગ ૭૧ ટકા મતદાન થયું હતું. જેમાં કુલ ૯૨૨૨ ઉમેદવાર મેદાને હતાં.

રાજ્યમાં સૌથી વધુ ઉમેદવાર અપક્ષ હતા. જ્યારે રાજકીય પાર્ટીમાંથી સૌથી વધુ ઉમેદવાર ૨૦૩૭ કોંગ્રેસ પાર્ટીના હતા. ભાજપે માત્ર ૧૦૦૩ ઉમેદવાર જ મેદાને ઉતાર્યા હતા. પંજાબમાં વર્ષ ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે. આવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ ઘણા મહત્વના મનાય છે. પંજાબની ૧૦૯ નગરપાલિકા, નગર પંચાયત અને ૭ મહાનગરપાલિકા માટે થયેલા મતદાનની મતગણતરી ચાલી રહી છે. પંજાબની સાતેય મહાનગરપાલિકામાં ભાજપના સુપડાસાફ થયાં છે.

સ્થાનિક બોડીમાં કોંગ્રેસે મોગા, હોશિયારપુર, કપૂરથલા, અબોહર, પઠાનકોટ, બટાલા અને ભટિંડા મહાનગરપાલિકા જીતી લીધી છે. ભટિંડા નગર નિગમમાં ૫૩ વર્ષ બાદ કોંગ્રેસ સત્તામાં આવી છે. જ્યારે મજિઠિયા મહાનગરપાલિકાની ૧૩માંથી ૧૦ સીટો શિરોમણી અકાલી દળે જીતી છે.

મંગળવારે અનેક બુથો પર ફરીવાર ચુંટણી યોજવામાં આવી. તેના પરિણામ પણ આજે જાહેર કરવામાં આવશે. આ સાથે જ મોહાલી મહાનગરપાલિકાના બુથ નં. ૩૨ અને ૩૩ પર આજે ૮ થી ૪ વાગ્યા સુધી ફરીથી મતદાન થશે. તેની મતગણતરી ગુરુવારે કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.