કોંગ્રેસ હિન્દુઓમાં ભાગલા પાડીને રાજ કરવામાં માને છેઃ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. ૭૬૦૦ કરોડથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
(એજન્સી) નવી દિલ્હી, હરિયાણામાં ફરી સત્તા પ્રાપ્ત કર્યા બાદ હવે ભાજપની નજર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર ટકેલી છે. વડા પ્રધાન મોદીએ બુધવારે મહારાષ્ટ્રમાં ડિજિટલ માધ્યમ દ્વારા રૂ. ૭,૬૦૦ કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ૧૦ મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેમની ફોર્મ્યુલા ભાગલા પાડો અને રાજ કરોની છે. “કોંગ્રેસ સંપૂર્ણ રીતે સાંપ્રદાયિક અને જાતિવાદી રેખાઓ પર ચૂંટણી લડે છે. હિંદુ સમાજને તોડીને તેની જીતની ફોર્મ્યુલા બનાવે છે, આ કોંગ્રેસની રાજનીતિનો આધાર છે.
“કોંગ્રેસની નીતિ હિંદુઓની એક જાતિને બીજી જાતિ સામે લડાવવાની છે. કોંગ્રેસ જાણે છે કે જેટલા હિંદુઓ વિભાજિત થશે, તેટલો ફાયદો થશે. કોંગ્રેસ કોઈપણ રીતે હિંદુ સમાજમાં આગમાં ફેલાવવા માંગે છે, જેથી જ્યાં પણ ભારતમાં ચૂંટણી થાય છે, કોંગ્રેસ એ જ ફોર્મ્યુલા લાગુ કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. ૭૬૦૦ કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આજનાં વિવિધ પ્રોજેક્ટોમાં નાગપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનાં અપગ્રેડેશનનો શિલાન્યાસ અને શિરડી એરપોર્ટ પર ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ સામેલ છે.
શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં ૧૦ સરકારી મેડિકલ કોલેજોના સંચાલનનો પણ શુભારંભ કરાવ્યો હતો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ આૅફ સ્કિલ્સ (આઇઆઇએસ), મુંબઇ અને મહારાષ્ટ્રની વિદ્યા સમિક્ષા કેન્દ્ર (વીએસકે)નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રને ૧૦ નવી મેડિકલ કોલેજો અને મહત્ત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ પ્રદાન કરવામાં આવી રહ્યાં છે, જેમાં નાગપુર એરપોર્ટનું આધુનિકીકરણ અને વિસ્તરણ તથા શિરડી એરપોર્ટ માટે નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ સામેલ છે. તેમણે મહારાષ્ટ્રની જનતાને આજની વિકાસલક્ષી પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષા તરીકેની માન્યતાને યાદ કરીને કહ્યું હતું કે, જ્યારે કોઈ ભાષાને ઉચિત સન્માન મળે છે, ત્યારે તે માત્ર શબ્દો જ નહીં, પણ આખી પેઢીને અવાજ મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, કરોડો મરાઠી ભાઈઓનું સપનું આ સાથે પૂર્ણ થયું છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, મહારાષ્ટ્રનાં લોકોએ મરાઠીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપી છે એ વાતની ઉજવણી કરી હતી.
તેમણે ઉમેર્યું કે, તેમને મહારાષ્ટ્રના ગામોના લોકો તરફથી ખુશી અને કૃતજ્ઞતાના સંદેશા મળી રહ્યા છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, મરાઠીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવી એ તેમનું કાર્ય નથી, પણ મહારાષ્ટ્રનાં લોકોનાં આશીર્વાદનું પરિણામ છે. પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ, બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે જેવા મહાનુભાવોના આશીર્વાદને કારણે મહારાષ્ટ્રમાં પ્રગતિનાં કાર્યો થઈ રહ્યાં છે એ વાત પર ભાર મૂક્યો હતો.