જળસ્રોતોના વિકાસમાં આંબેડકરના ફાળાને કોંગ્રેસે અવગણ્યો: પીએમ મોદી
ખજુરાહો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વાર કોંગ્રેસ પર આંબેડકરની અવગણનાનો આરોપ મૂક્યો છે. તેમણે મધ્યપ્રદેશમાં કેન-બેતવા ‘રિવર લિન્કિંગ પ્રોજેક્ટ’ના ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસે જળસ્રોતોના વિકાસમાં ડો. આંબેડકરના યોગદાનની અવગણના કરી છે.
ખજુરાહો ખાતેના કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “૨૧મી સદીમાં પૂરતા અને યોગ્ય રીતે સંચાલિત જળસ્રોતો ધરાવતા દેશો જ પ્રગતિ કરી શકશે.” ઉલ્લેખનીય છે કે, મોદીનું આંબેડકર અંગેનું નિવેદન થોડા સમય પહેલાં ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણીથી થયેલા વિવાદ પછી આવ્યું છે.
મોદીએ કહ્યું હતું કે, “દેશમાં જળસ્ત્રોતોના વિકાસ, મેનેજમેન્ટ અને બંધના નિર્માણમાં આંબેડકરના વિઝન અને દૂરંદેશીએ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે મોટા ‘રિવર વેલી પ્રોજેક્ટ્સ’ અને સેન્ટ્રલ વોટર કમિશનની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.”
રિવર લિંન્કિંગ કાર્યક્રમમાં બોલતી વખતે મોદીએ જણાવ્યું હતું કે, “કોઇને પણ પૂછો કે સ્વતંત્રતા પછી દેશમાં જલશક્તિના દૂરંદેશી વિષય પર કોણે વિચાર્યું હતું? મારા પત્રકાર મિત્રો પણ આ પ્રશ્નનો જવાબ નહીં આપી શકે. કારણ કે દેશના જળસ્રોતોનો જશ એક વ્યક્તિને આપવા માટે સત્યને દબાવી દેવાયું હતું.
જળસ્રોતોના વિકાસ, બંધના નિર્માણ જેવા વિષયોમાં એક મહાન વ્યક્તિનું યોગદાન હતું અને એ હતા બાબાસાહેબ આંબેડકર. જોકે, કોંગ્રેસે જળસંચય અને મોટા બંધના નિર્માણ માટે તેમને ક્યારેય શ્રેય આપ્યો નથી.” ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે, “જળસુરક્ષા ૨૧મી સદીનો સૌથી મોટો પડકાર છે.
જળસ્ત્રોતોનું યોગ્ય મેનેજમેન્ટ કરનારા દેશો જ વર્તમાન સદીમાં પ્રગતિ સાધી શકશે. રૂ.૪૪,૬૦૫ કરોડના ખર્ચે તેયાર થનારા કેન-બેતવા પ્રોજેક્ટથી મધ્યપ્રદેશના ૧૦ જિલ્લાના લગભગ ૪૪ લાખ અને ઉત્તર પ્રદેશના ૨૧ લાખ લોકોને પીવાનું પાણી મળશે. ઉપરાંત, ૨૦૦૦ ગામના ૭.૧૮ લાખ કૃષિ પરિવારોને પ્રોજેક્ટનો લાભ મળશે.SS1MS