ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતિમાં કોંગ્રેસ
૨૦૦૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૫૦ બેઠકો મળી હતી, જ્યારે ૨૦૦૭માં તેને ૫૯ બેઠકો મળી હતી
અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે અને તે ૧૭ બેઠકો પર આવી ગઈ છે. રાજ્યમાં દેશની સૌથી જૂની પાર્ટીનું અત્યાર સુધીનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. આ પહેલા ૧૯૯૦ની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સૌથી નીચો ગયો હતો.
ત્યારે પાર્ટીને માત્ર ૩૩ સીટો મળી હતી. ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૫૦ બેઠકો મળી હતી, જ્યારે ૨૦૦૭માં તેને ૫૯ બેઠકો મળી હતી. આ ઉપરાંત, ગત ચૂંટણીમાં કોંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી. સત્તા વિરોધી લહેરને વાતને નકારીને, ભાજપે તેના અગાઉના રેકોર્ડને પણ પાછળ છોડી દીધા છે.
આ વખતે ભાજપે ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૫૬ બેઠકો જીતી છે. ભાજપને આ અગાઉ ૨૦૦૨ની ચૂંટણીમાં ૧૨૭ બેઠકો મળી હતી, પરંતુ ત્યારપછીની ચૂંટણીઓમાં પાર્ટીની બેઠકો ઘટતી રહી હતી. ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને ૯૯ બેઠકો મળી હતી.
ભાજપની પ્રચંડ જીતથી ગુજરાતમાં બે દાયકા પછી માત્ર સત્તા પર પાછા ફરવાની કોંગ્રેસની આશાને ફટકો પડ્યો જ નથી, પરંતુ રાજ્યમાં ફરીથી ઉભરી આવવાની પાર્ટીની આશાઓ લગભગ પૂરી થઈ ગઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થયું હોવાની ચર્ચા રાજકીય નિષ્ણાતો કરી રહ્યા છે.
તેનો સીધો ફાયદો રાજ્યમાં છેલ્લા બે દાયકાથી સત્તારૂઢ ભાજપને મળ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધી માત્ર બે જ પક્ષો કોંગ્રેસ અને ભાજપ ચૂંટણીમાં સામસામે હતા. પરંતુ આ ચૂંટણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના પ્રવેશથી મુકાબલો ત્રિપાંખીયો બની ગયો હતો.
આ સાથે આપએ ચૂંટણીમાં પુરી તાકાત લગાવી દીધી હતી. કેજરીવાલે તમામ ૧૮૨ બેઠકો માટે ઉમેદવારો તો ઉભા રાખ્યા જ હતા, પરંતુ તેની સામે વિશાળ ચૂંટણી રેલીઓ પણ યોજી હતી. માનવામાં આવે છે કે, આની સીધી અસર કોંગ્રેસની વોટ બેંક પર પડી હતી.
જ્યારે, ભાજપના પરંપરાગત મતદારો તેની સાથે રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના મતોના વિભાજનને કારણે ભાજપની બેઠકો વધુ વધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ભારત જાેડો યાત્રામાં વ્યસ્ત હતા. તેમણે ગુજરાતમાં પાર્ટી માટે બહુ ઓછું પ્રચાર કર્યો હતો.
કોંગ્રેસે રાજ્યમાં તેના અગ્રણી નેતા રાહુલ ગાંધીની માત્ર એક કે બે જાહેર સભાઓ યોજી હતી. તેનાથી વિપરિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગૃહ રાજ્યમાં પડાવ નાખ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસનો કોઈ ફાયરબ્રાન્ડ નેતા કે મોટો ચહેરો ન હોવાનું પણ પક્ષને નુકસાન થયું છે.
આ ઉપરાંત, પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે કોઈ નેતાને જાહેર કર્યા નથી. ગુજરાતમાં કોંગ્રેસ લાંબા સમયથી આંતરિક કલેશ અને સંગઠનાત્મક પડકારોથી ઝઝૂમી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયા હતા.
આ નેતાઓમાં યુવા પાટીદાર નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ જાેડાયા હતા. આ નેતાઓને ગુમાવવાથી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠનને નુકસાન થયું હતું. ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીએ ભારે વિવાદ જગાવ્યો હતો.
ભાજપે આ મુદ્દો જાેરશોરથી ઉઠાવ્યો હતો અને તેને વડાપ્રધાન મોદી અને ગુજરાતની છબી સાથે જાેડીને રજૂઆત કરી હતી. નિષ્ણાતોનું માનવું છે કે, વડાપ્રધાન મોદી પર ખડગેની ટિપ્પણીથી પાર્ટીને નુકસાન થયું છે. ખડગેએ કથિત રીતે પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરી હતી.