કોંગ્રેસે જ કોંગ્રેસનો બહિષ્કાર કર્યોઃ AMC બોર્ડમાં કોંગ્રેસનું વસ્ત્રાહરણ
(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષનો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે તથા પ્રથમ વખત જાહેરમાં જ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસનો જ બહિષ્કાર કરવામાં આવ્યો હોવાનું શરમજનક ઘટના બની છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ તેમની રજૂઆત કરી રહ્યા હતા તે સમયે ગૃહમાં ગેરહાજર સિનિયર કોર્પોરેટરોનો જૂથ અચાનક આવ્યું હતું. ત્યારબાદ તેઓએ હાજરી ભરી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે ઊભા થઈ ગૃહની બહાર ચાલ્યા ગયા હતા.
આ કોર્પોરેટરોમાં શહેર પ્રમુખ અને દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષી, કમળાબેન ચાવળા, ઈકબાલશેખ મુખ્ય હતા. ગૃહની બહાર નીકળ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા અનેક વખત નેતા બદલવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી તેમને આ પ્રકારનું કૃત્ય કરવાની ફરજ પડી છે.
કોંગ્રેસના બળવાખોર જૂથ દ્વારા જે રીતે કોંગ્રેસના નેતાનો જ બહિષ્કાર કરવામાં આવ્યો એના કારણે ભાજપના કોર્પોરેટરો ગેલમાં આવી ગયા હતા તથા પાટલી થપથપાવી હતી. વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આંતરિક ખેંચતાણ તેમજ મતભેદ દરેક પક્ષમાં હોય છે.
પરંતુ તે પાર્ટી ઓફિસ સુધી સિમિત રહે છે પરંતુ અહીં સિનિયર કોર્પોરેટરોએ જે પદ્ધતિ અપનાવી છે તે વખોડવા લાયક છે. તથા આ અંગે પ્રદેશ પ્રમુખ સમક્ષ તેઓ રજૂઆત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા પદ માટે છેલ્લા ઘણાં સમયથી આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. ર૦ર૧ની ચૂંટણી પૂર્ણ થયા બાદ આ ખેંચતાણના કારણે જ વિપક્ષી નેતાની નિમણૂક કરવામાં ૧ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ દ્વારા શહેઝાદખાન પઠાણની વરણી કરવામાં આવી છે.
તે સમયે બીજા જૂથે વિરોધ કરતા તત્કાલિન પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે માત્ર ૧ વર્ષ માટે નિમણૂક કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી તેમજ તે મતલબનો પત્ર પણ શહેઝાદખાન પાસેથી લીધો હતો. જાન્યુઆરી ર૦ર૪માં વર્તમાન નેતાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હતી
તેમ છતાં પાર્ટી દ્વારા કોઈ નિર્યણ કરવામાં આવ્યો નથી જેના કારણે કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ઈકબાલ શેખ, તસલીમ તીરમિઝી, કમળાબેન ચાવડા, રાજેશ્રીબેન કેસરી, નીરવ બક્ષી સહિતના કોર્પોરેટરોએ દીલ્લી રૂબરૂ જઈ રજૂઆત પણ કરી હતી તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા સોમવારે મળેલી માસિક સામાન્ય સભાનો બોયકોટ કર્યો હતો પરંતુ તેમણે વિરોધ માટે જે પદ્ધતિ અપનાવી હતી તે ચર્ચાનો વિષય બની હતી.