Western Times News

Gujarati News

જગદીશ ઠાકોર નિષ્ફળ જતાં કોંગ્રેસ પાર્ટી પ્રદેશ પ્રમુખ બદલે તેવી શક્યતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોરને સુકાન સોંપ્યુ હતું, પરંતું તેઓ નિષ્ફળ રહ્યાં છે.

(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં પક્ષના નેતાની નિમણૂં કરવાની કામગીરી ઘોંચમાં પડી હતી. જેમાં આંતરિક વિવાદ પણ ઉઠ્‌યો હતો. ત્યારે આખરે કોંગ્રસે ઊંઘમાંથી જાગી છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું નામ ફાઈનલ કર્યું છે.

આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને વિધાનસભાના પક્ષના ઉપનેતા જાહેર કર્યાં છે. ત્યારે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ બદલે તેવા અણસાર મળ્યાં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોરને સુકાન સોંપ્યુ હતું, પરંતું તેઓ નિષ્ફળ રહ્યાં છે.

ઉલટાનું કોંગ્રેસને અગાઉની વિધાનસભાની ચૂંટણી કરતા વધુ નુકસાન થયુ છે. બીજી તરફ, કોંગ્રેસમાં આંતરિક ડખા એટલા વધ્યા છે કે જગદીશ ઠાકોર આ ગૂંચ ઉકેલવામાં પણ અસફળ રહે છે. આવામાં હવે કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ લાવે તો નવાઈ નહિ.

કોંગ્રેસ હાઈકમાન્ડ ગમે તે ઘડીએ પ્રદેશ પ્રમુખ બદલી શકે છે. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં છે. જાેકે, ચર્ચા તો એવી પણ છે કે કોંગ્રેસ પાટીદાર કાર્ડ અજમાવી શકે છે. મુખ્યમંત્રી જ્યારે પાટીદાર છે, ત્યારે કોંગ્રેસ પણ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખનુ પદ આપી શકે છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર થઇ તેના કારણો જાણવા દિલ્હી સત્યશોધક કમિટીના ત્રણ નેતાઓ અમદાવાદ આવી હતી. આવામાં ચૂંટણી જીત્યા ન હોય તેવા નેતાઓ હવે હારના કારણો જાણીને રિપોર્ટને અભિરાઇએ ચડાવી દે તો નવાઈ નહીં.

વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ઉમેદવારોએ સત્યશોધક કમીટી સમક્ષ એવો બળાપો કાઢ્યો છે કે, પક્ષના ગદારોને કારણે જ હાર થઇ છે. જાે કોંગ્રેસ પક્ષવિરોધી સામે કેવાં પગલાં ભરે છે એ તો સમય જ બતાવશે પણ આ સ્થિતિ રહી તો પક્ષની આ જ દશા રહેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ ૧૭ બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ ચાલી કરાયું. જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. હાઈકમાન્ડે રચેલી કમિટીએ વન ટુ વન બેઠકો કરી. ગુજરાત કોંગ્રેસે હારનું ઠીકરું ફોડીને આ રિપોર્ટ હાઈકમાનને મોકલી આપ્યો છે પણ હવે સત્ય શોધક કમિટી તપાસ કરી રહી છે.

સત્ય શોધક સમિતિએ અનેક નેતાઓ સાથે મોકળા મને ચર્ચા કરી. ફેક્ટ એન્ડ ફાઈન્ડિંગ કમિટીના ચેરમેન નીતિન રાઉત તથા સભ્ય શકીલ અહમદ અને સપ્તગીરી ઉલાકા હાજર હતા. હજુ ૨ દિવસ સુધી ધારાસભ્ય અને ઉમેદવારો સાથે બેઠક ચાલશે. જે બાદ રિપોર્ટ તૈયાર કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોપાશે. જેમાં નવા પ્રદેશ પ્રખુમ માટેનુ નામ પણ જણાવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.