કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, જાતિવાદ અને પરિવારવાદની ગેરંટી: મોદી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ પર આક્રમક હુમલો કર્યો હતો. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભ્રષ્ટાચાર, જાતિવાદ અને પરિવારવાદની ગેરંટી છે. તેમણે હરિયાણાના લોકોને સતત ત્રીજી વખત ભાજપને સત્તા સોંપવા વિનંતી કરી હતી.
હરિયાણામાં શનિવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે વડાપ્રધાન મોદીએ એક્સ પર જણાવ્યું હતું કે, “કોંગ્રેસના વિભાજનકારી અને નકારાત્મક રાજકારણને રાજ્યના દેશભક્ત લોકો ક્યારેય નહીં સ્વીકારે.”
તેમણે ૨૦૦૪થી ૨૦૧૪ના ગાળામાં ભુપિંદરસિંહ હુડાની સરકારમાં સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડરાના વિવાદાસ્પદ જમીન સોદાને ટાંકીને જણાવ્યું હતું કે, “કોંગ્રેસ ફિક્સર્સ અને જમાઇ વચ્ચેની સિન્ડિકેટ છે.”
તેમણે હુડા અને તેમના સાંસદ પુત્ર દીપેન્દરસિંહ હુડાને ટાર્ગેટ કરતા જણાવ્યું હતું કે, પિતા-પુત્રના રાજકારણનો મુખ્ય લક્ષ્યાંક સ્વાર્થ છે. ભાજપના સ્ટાર પ્રચારક મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ અંદરોઅંદર લડી રહ્યા છે.
તેમણે દાવો કર્યો હતો કે, “દિલ્હી અને હરિયાણામાં બેઠેલા માત્ર બે પરિવાર માટે સમગ્ર રાજ્યનું અપમાન થઈ રહ્યું હોવાથી હરિયાણાના લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે.કોંગ્રેસના નેતાઓએ અનામત ખતમ કરવાનું જણાવી તેમના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. પછાત વર્ગો જાતીય હિંસાને અટકાવવાની નિષ્ફળતા બદલ કોંગ્રેસ પર રોષે ભરાયા છે.”
મોદીએ જણાવ્યું હતું કે, “ભાજપની સરકારે હરિયાણાના ૧૦ વર્ષના શાસનમાં લોકોનું જીવન સુધારવા તેમજ ખેડૂતો, યુવાઓ, મહિલાઓ સહિત દરેક વર્ગ અને ગામ કે શહેરોના કલ્યાણ માટે કામ કર્યું છે.”SS1MS