અમદાવાદની થયેલ દુર્દશા મુદ્દે મેયરની મિટિંગમાં કોંગી ધારાસભ્ય- કોર્પોરેટરને આમંત્રણ નહિ
ઇમરાન ખેડવાળા, શહેઝાદ ખાન, ઇકબાલ શેખે વિરોધ નોંધાવ્યો- ભાજપના મત વિસ્તારમાં વધુ જનઆક્રોશ હોવાથી મેયરે બંધ બારણે બેઠક કરી: ઈકબાલ શેખ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સતત બે દિવસ થયેલા વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તેમજ વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસર્યા નહતા. જેના કારણે ચૂંટાયેલી પાંખમાં ભારે નારાજગી જોવા મળી હતી.
શહેરના ધારાસભ્યો અને કોર્પોરેટરો વધુ નારાજ ન થાય તેમજ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ ન કરે તે માટે તમામ ઝોનમાં ખાસ મિટિંગ રાખવામાં આવી હતી.જેમાં ચોંકાવનારી બાબત એ હતી કે મીટિંગ માં માત્ર ભાજપના જ ધારાસભ્ય-કોર્પોરેટરો ને બોલાવવામાં આવ્યા હતા.
જેના કારણે વિપક્ષનેતા, જમાલપુર ધારાસભ્ય સહિત અન્ય સીનીયર કોર્પોરેટરો એ કમિશનર અને મેયર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે વધુ એક બેઠક ઝોન ડે. કમિશનર ઘ્વારા રાખવામાં આવી હતી.
શહેરમાં વરસાદ બાદ ભરાયેલા પાણી નો સમયસર નિકાલ ન થતા ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો- કોર્પોરેટરો માં નારાજગી જોવા મળી હતો. ભાજપના ધારાસભ્ય-કોર્પોરેટર ગાંધીનગર ફરિયાદ ન કરે તે ડર થી મેયર પ્રતિભાબેન જૈને તમામ હોદ્દેદારોને ઝોન દીઠ મીટિંગ કરવા જણાવ્યુ હતુ.
જેમાં મેયર મધ્યઝોનની બેઠકમાં હાજર રહયા હતા. મેયરે તેમની મિટિંગ માં માત્ર ભાજપની ચૂંટાયેલી પાંખને જ આમંત્રણ આપ્યું હતું.સમાન પરિસ્થિતિ અન્ય ઝોનમાં પણ જોવા મળી હતી. મ્યુનિસિપલ વિપક્ષનેતા શહેઝાડ ખાન પઠાણ ને આ બાબતે જાણ થતાં તેમણે કમિશનર ને ફોન કર્યો હતો તેમજ આવા ભેદભાવ શા માટે રાખવામાં આવ્યા છે? તેવો પ્રશ્ન કર્યો હતો.
તેમના ફોન બાદ કમિશનરે તમામ ઝોન ડે. કમિશનરોને વધુ એક બેઠક કોંગી ચૂંટાયેલી પાંખ સાથે કરવા સુચના આપી હતી જયારે જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ આ મુદ્દે મેયરને પત્ર લખી વિરોધ દર્શાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ માત્ર ભાજપના ધારાસભ્ય-કોર્પોરેટર સાથે મિટિંગ કરવી અયોગ્ય છે. શહેરની સુખાકારી માટે તમામ પક્ષ ની ચૂંટાયેલી પાંખને આમંત્રણ આપવામાં આવે તે યોગ્ય છે.
ગોમતીપુર ના કોર્પોરેટર ઇકબાલ શેખના જણાવ્યા મુજબ માત્ર ભાજપના મત વિસ્તારમાં માં જ પાણી ભરાયા હશે તેથી મેયરે તેમની પાર્ટીની ચૂંટાયેલી પાંખને બોલાવી હશે.
કોંગ્રેસના ધારાસભ્ય, કોર્પોરેટર અને કાર્યકરો બે દિવસ કેડ સમાં પાણીમાં પણ નાગરિકો વચ્ચે ગયા હતા.તેથી અમારા વિસ્તારમાં જન આક્રોશ જોવા મળતો નથી જયારે ભાજપના મત વિસ્તારમાં જન આક્રોશ ચરમસીમાએ છે ખુદ મેયર પણ કન્ટ્રોલ રુમ સિવાય ક્યાંય જોવા મળ્યા નથી.તેથી કદાચ મેયરે તેમની ચૂંટાયેલી પાંખ સાથે બંધબારણે બેઠક કરી હશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.