કોંગ્રેસ પાર્ટીમાં મેન્ડેટને લઇ મચ્યો હડકંપ

(એજન્સી)અમદાવાદ, કોંગ્રેસમાં મેન્ડેટને લઇ હડકંપ મચ્યો છે. કોંગ્રેસમાં મેન્ડેટ આપવામાં મોટી ભૂલ થઇ છે. જેને લઇને કોંગ્રેસના આગેવાનોમાં દોડધામ થઇ છે. કેટલાક ઉમેદવારોને પેટાચૂંટણીના મેન્ડેટ આપાયાનો દાવો છે. સામાન્ય ચૂંટણીમાં પેટાચૂંટણીના મેન્ડેટ અપાતાં હોબાળો થયો છે.
કોંગ્રેસના આગેવાનો મેન્ડેટની ખરાઈ કરવા માટે ધંધે લાગ્યા છે. સામાન્ય ચૂંટણીમાં પેટા ચૂંટણીના મેન્ડેટ માન્ય ગણાય કે નહીં, તે પ્રશ્ન ઉભો થયો છે. જે બાદ હવે મેન્ડેટ બદલવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. ઉમેદવારને નવા મેન્ડેટ મોકલવામાં આવ્યા છે.
ગઇકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ ૯ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ ચોથી યાદી જાહેર કરી હતી. જેમાં દ્વારકાથી માલુબાઇ કંડોરિયા, તલાલાથી માનસિંહ ડોડિયા, કોડિનાર (એસ.સી)થી મહેશ મકવાણા,
ભાવનગર ગ્રામ્યથી રેવતસિંહ ગોહિલ, ભાવનગર ઇસ્ટથી બળદેવ મંજીભાઇ સોલંકી, બોટાદથી રમેશ મેર, જંબુસરથી સંજય સોલંકી, ભરૂચથી જયકાંતભાઇ બી પટેલ અને ધરમપર (એસટી)થી કિશનભાઇ વેસ્તાભાઇ પટેલનું નામ સામેલ છે.
ગુજરાત કોંગ્રેસે પ્રથમ યાદીમાં ૪૩ નામ જાહેર કર્યા હતા
ત્યારબાદ બાજી યાદીમાં ૪૬ અને ત્રીજી યાદીમાં ૭ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. કાલે ગુજરાત કોંગ્રેસે ચોથી યાદી જાહેર કરી હતી અને તેમાં કુલ ૯ નામો જાહેર કર્યા હતા. આમ, ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ કુલ ૧૦૪ ઉમેદવારો જાહેર કર્યા છે.
નોંધનીય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ૨૦૧૭ના વર્ષમાં પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.