ધારાસભ્ય અનંત પટેલ પરના હુમલાના વિરોધમાં ઝઘડિયા ખાતે કોંગ્રેસનું આવેદન
(પ્રતિનિધિ) ભરૂચ, કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ઝઘડિયા મામલતદારને આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવાયું હતુ કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાના નિષ્ફળ શાસન, ગેરવહિવટ અને પ્રજાવિરોધી ર્નિણયોના પરિણામ હવે જ્યારે ભીંત પરના લખાણ જેવા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે,ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓ હવે છેલ્લી ઘડીના પ્રયાસો કરીને પ્રજા ઉપર ધાક જમાવવા હવાતિયા મારી રહ્યા છે.
વધુમાં જણાવાયુ હતુ કે આના બોલતા પુરાવા રુપ ઘટનામાં કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે.ભવિષ્યમાં આવી અન્ય કોઈ ઘટના ના બને તે માટે અગમચેતીરુપ પગલાં લેવામાં આવે તેવી આવેદનમાં માંગ કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય ઘટનામાં સુરત શહેરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન બાદ પોલીસ દ્વારા કોંગ્રેસના ચાર કાર્યકરોને પાસા હેઠળ સુરત બહારની જેલમાં મોકલી આપવામાં આવ્યા તેને આવેદનમાં વખોડી કાઢવામાં આવ્યું હતું.તેમજ આવી પ્રવૃત્તિઓ સત્વરે અટકાવાય તેવી આવેદનમાં માંગ કરવામાં આવી હતી.