હારની જવાબદારી સ્વિકારી કોંગ્રેસના પ્રભારીનું રાજીનામું
(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ સતત સાતમી વખત બહુમતી મેળવીને સત્તા મેળવી લીધી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રેકોર્ડ બ્રેક સીટ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરી નાખ્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખરાબ કરી નાખી છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ખુબ જ સારું પ્રદર્શન કર્યું હતું. જાે કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની ખુબ જ ઓછી સીટ મળી છે. ગુજરાતમાં કોંગ્રેસની શરમજનક હાર થતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધું છે.
એક તરફ ગુજરાતમાં ભાજપે સૌથી વધુ સીટ મેળવીને જીત મેળવી છે તો બીજી તરફ કોંગ્રેસે રેકોર્ડ ઓછી સીટ મેળવી છે. ગુજરાત કોંગ્રેસના રાજીવ સાતવના નિધન પછી ગુજરાત પ્રભારીનું પદ ખાલી હતું.કોંગ્રેસ દ્વારા લાંબા સમય બાદ ગુજરાતમાં રઘુ શર્માને પ્રભારી બનાવ્યા હતા.
કોંગ્રેસે ગત વર્ષે ૭મી ઑક્ટોબરના ૨૦૨૧ના રોજ રઘુ શર્માને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા.રાજસ્થાન સરકારના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ખુબ જ નજીક ગણાય છે. રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનું કોરોના સંક્રમણના કારણે ૧૬મે ના રોજ ૪૬ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી તરીકે પદભાર સાંભળ્યો તે બાદ કોંગ્રેસમાં નેતાઓની નારાજગી જાેવા મળી હતી.