કોંગ્રેસને જાતિ જનગણના નહી પરંતુ મતગણના કરવી છે : ઋષિકેશ પટેલ
- ભારતમાં અંગ્રેજોના સમયમાં 1871 થી લઇ 1931 સુધી વસ્તી ગણતરીની સાથે જાતીય જનગણના પણ થઈ હતી.
- જાતિગત જન ગણના એ કોંગ્રેસની ટુલકીટ છે
- જાતિગત જન ગણના એ કેન્દ્રનો વિષય છે, રાજ્ય પાસે જાતિગત જન ગણના કરવા કોઈ સત્તા નહિં
ગુજરાત વિધાનસભામાં નિયમ-૧૦૨ અંતર્ગત વિપક્ષના નેતા અમિતભાઇ ચાવડા દ્વારા ગુજરાતમાં છેલ્લા દિવસના પ્રસ્તાવમાં જાતીગત વસ્તી ગણતરીના પ્રસ્તાવનો જવાબ આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સામાજીક-આર્થિક ગણતરીના પ્રસ્તાવમાં જાતીગત મનસા દેખાઇ આવે છે. કોંગ્રેસ આ દેશના અને ગુજરાતના નાગરિકોમાં ભ્રમ ફેલાવવાનો નવો કિમીયો લઇને આવી હોય તે સ્પષ્ટપણે જોઇ શકાય છે.
દેશ આઝાદ થયો ત્યારથી કોંગ્રેસ માત્રને માત્ર જુઠની રાજનીતિ , ભ્રમ ફેલાવવાની રાજનીતિ, વોટબેંકની રાજનીતિ , ભાગલા પાડોની રાજનીતિ કરતી આવી છે.
કોંગ્રેસ પોતાનો જનાધાર ખોઇ બેઠી છે અને એ જનાધાર પાછો મેળવવા તેમજ દેશની સર્વોચ્ય ખુરશી પર બેસવા દિવાસ્વપ્નોમાં રાંચે છે અને તે પૂર્ણ કરવા સમાજના ભાગલા પાડવાની હદ સુધી જઇને પોતાનો જનાધાર શોધવા માટે જાતિગત જનગણનાની પીપુડી વગાડ્યા કરે છે.
મંત્રી શ્રી એ વધુમા ઉમેર્યું કે, ભારતમાં અંગ્રેજોના સમયમાં 1871 થી લઇ 1931 સુધી વસ્તી ગણતરીની સાથે જાતીય જનગણના પણ થઈ હતી.
અંગ્રેજો ભારત રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર, સામાજીક સૌહાર્દ, સર્વધર્મની ભાવના અને વિવિધતામાં એકતાની મૂળ ભાવના આ દેશને ધર્મ , જાતિ, પ્રાંત, ઉમર, લીંગ, નસલ જેવી અનેક બાબતોથી દેશને તોડવાની મનશા સાથે એક ધર્મને બીજા ધર્મ સામે , એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ સામે, સવર્ણને પછાત સાથે, ઝગડાવી ભાગલા પડાવી , રાજ કરવા માગતા હતા. માટે જ અંગ્રેજો તેમની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ સાથે જાતિ જનગણના કરતા હતા.
પરંતુ આઝાદી પછી સૌપ્રથમ વાર 1951 માં વસતી ગણતરી થઇ ત્યારે તત્કાલીન વડાપ્રધાન સ્વ. શ્રી જવાહરલાલ નહેરૂ એ પોતે જણાવ્યું હતું કે, જાતિય જનગણના થી સમાજમાં ઉંચ-નીંચના ભેદભાવ થશે, દેશમાં જ્ઞાતિવાદનો ઝહેર ફેલાશે , દેશ વિભાજીત થઇ જશે, અને ટુકડે ટુકડા થઇ જશે.
1951 માં થયેલી વસતી ગણતરી માં જાતિય જનગણના કરી ન હતી. ત્યાર થી લઇ છેલ્લે વર્ષ 2011 સુધીમાં દેશ પર 54 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું. ત્યારે આ કોંગ્રેસ ક્યાં હતી તેમ તેમણે કહ્યું હતું.
2011ની વસતી ગણતરીમાં અંદાજીત રૂ. 5000 કરોડના ખર્ચે જાતીય જનગણના કરી હતી છતાં પણ કોંગ્રેસની ડૉ. મનમોહન સિંગના વડપણ હેઠળની સરકારે આંકડા અને અહેવાલ જાહેર કર્યો ન હતો.
દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઇ એ દેશમાં પછાત જ્ઞાતિઓનો સર્વે કરવા માટે 1979 માં મંડલ કમિશનની રચના કરી જેનો અહેવાલ વર્ષો સુધી ઇન્દિરાજી અને રાજીવ ગાંધીજીએ કેમ અભેરાઇએ ચઢાવી દિધો હતો. અને જ્યારે વી.પી. સિંગ એ જાહેર કર્યો ત્યારે પણ કોંગ્રેસે ખુલ્લે આમ વિરોધ કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટી બાબા સાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરવામાં આવેલ બંધારણની મૂળભૂત ભાવનાને વરેલી છે તેમ જણાવી અનામતના સંરક્ષણથી સંબંધિત ભારતના બંધારણમાં પાંચ વખત બંધારણીય સુધારા ભાજપાની સરકારે કર્યા છે તેમ ઉમેર્યું હતું.
અનુસૂચિત જાતિ, જનજાતિ , સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને ઉન્નતિ માટે ભાજપ અને એન.ડી.એ.ની સરકારે 81,82 અને 85 મો બંધારણીય સુધારો ઉપરાંત 102 અને 103 મો બંધારણીય સુધારો કરેલ છે.
કોંગ્રેસ જનતામાં ભાજપ બહુમતિના જોરે બંધારણ બદલીને અનામત દુર કરવાનો દુષ્પ્રચાર કરે છે એની સામે ભાજપા એ બંધારણમાં સુધારા કરીને અનામત વ્યવસ્થાને રક્ષણ આપ્યું છે.
ભલે કોંગ્રેસ માટે જાતિવાદ એ મુખ્ય હથિયાર હોઇ શકે પરંતુ દેશના વડાપ્રધાન અને વિશ્વનેતા આદરણીય મોદી સાહેબે તો આ દેશમાં ફક્ત ચાર જ જાતીની વાત કરી છે. ગરીબ, યુવા , અન્નદાતા અને નારી હોવાનું મંત્રી શ્રી એ ઉમેર્યું હતું. આમ છેલ્લે જાતિગત જન ગણના એ કેન્દ્રનો વિષય હોવાનું જણાવી રાજ્ય પાસે જાતિગત જન ગણના કરવા કોઈ સત્તા નહિં હોવાનું ભારપૂર્વક ઉમેર્યું હતું.