લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસની તૈયારી શરૂ
પ્રદેશ કોંગ્રેસે ૧૦ જિલ્લાના પ્રમુખની નિમણૂક કરી
(એજન્સી)અમદાવાદ, આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાત કોંગ્રેસે તૈયારી શરુ કરી દીધી છે અને આજે રાજ્યમાં અમદાવાદ સહિત ૧૦ જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે.
હજુ ત્રણ ડિસેમ્બરે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે જેમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો થયો છે જ્યારે તેલંગાણામાં પ્રથમ વખથ કોંગ્રેસે કબજો મેળવ્યો છે ત્યારે હવે દેશની સૌથી જૂની પાર્ટીની નજર આગામી લોકસભાની ચૂંટણી પર હોય તે માટે ગુજરાત રાજ્યના સંગઠનમાં મોટા ફેરફાર કરતા ૧૦ જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે
જેમાં અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલ, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયા, અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત, જુનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા, પંચમહાલ જિલ્લામાં પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમાર, ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી, આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકી, વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયાર, નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલ અને ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
આજે કોંગ્રેસ દ્વારા ગુજરાતના ૧૦ જિલ્લાઓના પ્રમુખોની નિમણૂકની જાહેરાત કર્યા બાદ આગામી લોકસભા માટે પોલિટિકલ અફેર કમિટીની પણ જાહેરાત કરી છે જેમાં ૧૭ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી માટે ૪૦ સભ્યોની ગુજરાત પ્રદેશ ઈલેક્શન કમિટીની પણ જાહેરાત કરી છે જેમાં અગ્રણી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઈલેક્શન કમિટિનિ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ રચના કરવામાં આવી છે જેમાં સ્ન્છ અને પૂર્વ સ્ન્છ સાથે પૂર્વ પ્રમુખો અને વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓને પણ ઈલેક્શન કમિટિમાં નિમણૂક કરવામાં આવી છે.