કોંગ્રેસ પૂર્વોત્તરના રાજ્યોમાં આગ લગાડવાની કોશિશ કરી રહી છેઃ મોદી
રાંચી, પીએમ મોદીએ ઝારખંડની ચૂંટણી સભામાં કહ્યુ હતુ કે, આ બિલને લઈને કોંગ્રેસ જુઠ્ઠાણુ ચલાવીને પૂર્વોત્તર રાજ્યોમાં આગ લગાવી રહી છે. પૂર્વોત્તરના લોકોને હું વિશ્વાસ અપાવુ છું કે, તેમની ભાષા, સંસ્કૃતિ, માન, સન્માનને વધારે સમૃધ્ધ બનાવવા માટે અમે પ્રતિબધ્ધ છે. તેમણે કોઈના બહેકાવામાં આવવાની જરુર નથી.
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યુ હતુ કે, કોંગ્રેસની નીતિ હંમેશા લૂંટો અને લોકોને લટકાવો…ની રહી છે. દરેક કોંગ્રેસી નેતા ચૂંટણી પહેલા નિવેદન આપે છે કે, બહારથી આવનારા શરણાર્થીઓને નાગરિકતા આપશે. પણ એ પછી પલટી જાય છે. પાડોશી દેશોમાં લઘુમતીઓ પર અત્ચાચારો થઈ રહ્યા છે. લાખો લોકો શોષણનો શિકાર બન્યા છે. અમે માનવીય રીતે તેમને નાગરિકતા આપવા માંગીએ છે અને કોંગ્રેસ તેનો પણ વિરોધ કરે છે.
તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ પૂર્વોત્તરમાં પોતાના સાથીઓ સાથે મળીને આગ લગાવવાના પ્રયત્નો કરી રહી છે. ત્યાં કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે કે, બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં લોકો આ રાજ્યોમાં આવી જશે. જ્યારે આ કાયદો પહેલેથી ભારત આવી ચુકેલા શરણાર્થીઓની નાગરિકતા માટે છે. ડિસેમ્બર, 2014 સુધી આવેલા શરણાર્થીઓ માટે આ વ્યવસ્થા છે. પૂર્વોત્તરના મોટા ભાગના રાજ્યો આ કાયદાની બહાર છે.
પીએમ મોદીએ આસામના લોકોને અપીલ કરતા કહ્યુ હતુ કે, હું ખાસ કરીને આસામના મારા ભાઈ બહેનોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે, તેમના અધિકારોને કોઈ નહી છીનવી શકે. તેમનો વારસો, ભાષા અને સંસ્કૃતિ હંમેશા સુરક્ષિત રહેશે. ત્યાંના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારત સરકાર પૂરી તાકાતથી કામ કરશે.