ધોરણ-૧૦માં ગણિત સ્ટાન્ડર્ડ, બેઝિકના અલગ પુસ્તકો તૈયાર કરવાની વિચારણા
અમદાવાદ, ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનું અલગ પુસ્તક મળે તે પ્રકારની વિચારણા ચાલી રહી છે.
તાજેતરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણમંત્રીની અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં ધોરણ-૧૦માં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડા સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા. જેના નિરાકરણ રૂપે સંઘો દ્વારા ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકનું પુસ્તક અલગ કરવામાં આવે તો વિદ્યાર્થી સંખ્યા વધારવામાં મદદ મળી શકે તેવું તારણ રજૂ કર્યું હતું.
જેના પગલે શિક્ષણમંત્રી દ્વારા બે પુસ્તકો અલગ કરવા અંગે વિવિધ સૂચનો મેળવ્યા બાદ તે અંગે આગળ કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળે છે. બેઠકમાં બે પુસ્તકો અલગ કરવાને લઈ હકારાત્મક વલણ હોવાનું પણ સામે આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ-૧૦માં અત્યાર સુધી ગણિત વિષયનું એક જ પેપર તમામ વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતું હતું. પરંતુ ત્રણેક વર્ષ પહેલા ગણિત વિષયમાં બે ભાગ કરાયા હતા. જેમાં જે વિદ્યાર્થીઓ ગણિત વિષય સાથે આગળનો અભ્યાસ કરવા માગતા હોય તેમના માટે ગણિત સ્ટાન્ડર્ડનું પેપર અને જે વિદ્યાર્થીઓ ગણિત વિષય વગર આગળનો અભ્યાસ કરવા માગતા હોય તેમના માટે ગણિત બેઝિક વિષયની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો.
જોકે, આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર પરીક્ષમાં પેપર જ અલગ લેવામાં આવતું હતું. પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસક્રમ માટે એક જ પુસ્તક અમલમાં હતી. આ પુસ્તકમાંથી સરળ પેપર નીકળે તે ગણિત બેઝિક અને અઘરું પેપર નીકળે તે ગણિત સ્ટાન્ડર્ડ તરીકે ગણાતું હતું.
જોકે, આ નિર્ણય લેવામાં આવ્યા બાદ દર વર્ષે ગણિત સ્ટાન્ડર્ડ વિષય લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. જેના પગલે ધોરણ-૧૧ અને ૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થતો હોવાનું જાણવા મળે છે. શિક્ષણ બોર્ડની આગામી ૨૭ ફેબ્›આરીથી શરૂ થનારી પરીક્ષા માટે પણ ગણિત વિષયમાં કુલ ૮૪૫૩૯૨ વિદ્યાર્થી નોંધાયા છે.
જેમાંથી ગણિત બેઝિક પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૭૮૪૦૭૮ છે અને ગણિત સ્ટાન્ડર્ડ પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૬૧૩૧૪ જેટલી છે. આમ, ગણિત સ્ટાન્ડર્ડ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૭.૨૫ ટકા જેટલી જ છે.
દર વર્ષે આ સંખ્યામાં ઘટાડો થતો હોવાની વિગતો પણ સામે આવી છે. દરમિયાન, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તાજેતરમાં શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ધોરણ-૧૦માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં થઈ રહેલા ઘટાડા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જેથી બેઠકમાં હાજર શિક્ષણ બોર્ડના સભ્ય દ્વારા વિવિધ સંગઠનો તરફથી મળેલા સૂચનો રજૂ કર્યા હતા. જેમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકનું પુસ્તક અલગ કરી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તો ફાયદો થાય તેમ હોવાનું જણાવ્યું હતું.
જેથી શિક્ષણમંત્રી દ્વારા આ મુદ્દે વધુ રિસર્ચ કરી આગળ નિર્ણય લેવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. આમ, ગણિત વિષયમાં બે પુસ્તકો તૈયાર કરવાને લઈને સઘન ચર્ચા કરવામાં આવ્યા બાદ આ મુદ્દે શિક્ષણ વિભાગ આગળ વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે.SS1MS