સાંત્વના-દુઃખ અને સુખ બન્નેની એક ચોક્કસ સમય મર્યાદા છે
દુઃખી હૈયા પર શબ્દ અને સહાનુભૂતિની વર્ષાના અમીછાંટણા એટલે સાંત્વના.જીવનથી અને પોતાના નસીબથી આપણે સૌકોઈ ક્યારેક તો નિરાશ કે હતાશ થતાં હોઈએ છીએ …
એ વખતે આપણે એવો વ્યક્તિ શોધીયે છીએ જે આપણી વાત શાંતિથી સાંભળે ,જે આપણો હાથ પકડીને કહે ‘હું છું ને’. આ શબ્દો અને વર્તન કેટલાંકને સાવ મામૂલી લાગતાં હશે , પણ ,આ શબ્દો કોઈનું જીવન બચાવવા માટેની સંજીવનીથી કમ પણ નથી . આવા પ્રેમથી સભર શબ્દોનો ગુલદસ્તો , એટલે સાંત્વના.
રોજિંદા જીવનમાં લોકો પોતાના તરફ થતાં પ્રહારો અને એમનાં તીખા પ્રતિકારો આપતી વખતે જે શબ્દો વાપરે છે એ કોઈ શસ્ત્રથી જરાય ઓછા નથી હોતાં .જાે તમે પણ ક્યારેક આ શબ્દો પર થોડા સમય પછી નજર ફેરવશો તોય તમે પણ એને પચાવી નહીં શકો .આપણી આસપાસ હાજર રહેલાં અને ગેરહાજર રહેલાં દરેક વિષે આપણે શું વિચારીયે છીએ ,એવી સદ્-ભાવના આપણામાં છે ખરી ??બીજાના સ્થાન પર આપણી જાતને મૂકીને કોઈ વિચારે છે ખરું ??
સાંત્વના એ માત્ર એક શબ્દ નથી એ એક પ્રવાહ છે , જે એક વ્યક્તિના મનના ભીતરથી નીકળી બીજાના દિલ સુધી પહોંચે છે . જયારે આપણું કોઈ દુઃખી કે નારાજ થાય ત્યારે એને મીઠાશભર્યા શબ્દો કહી એનામાં આશા જગાવી જીવનમાં આગળ વધવા માટે હાથ આપવો …એજ તમે તમારામાં માણસાઈ હજી જીવંત રાખી છે ,એમ કહી શકાય .
દુઃખ અને સુખ બન્નેની એક ચોક્કસ સમય મર્યાદા છે , પણ એની અનિશ્ચિતતા કોયડો બનીને લોકોને મુંઝવતો રહે છે .દરેક એના વિશેની ભ્રાંતિ લઈને જીવે છે .અનિશ્ચિતતા ભરી આ પરિસ્થતિ માણસને ક્યારેક નિરાશાવાદી બનાવે છે .આ પરિસ્થિતિ માણસને અધોગતિ તરફ ધકેલી શકે છે .આ સમયે એને રોકનાર ….ચાહે એ એના માતા- પિતા ,ગુરુ ,મિત્ર , ભાઈ બહેન ,પુત્ર ,પુત્રી કે પત્ની હોઈ શકે .એમને સમજનાર વ્યક્તિના વિચારો એનું જીવન પલ્ટી શકે છે .પોતીકાપણાની ભાવનાથી વાતચીત કરવાથી વ્યક્તિની મુંઝવણ દૂર થાય છે .
માણસને જયારે બીજાે માણસ મળવા જેવો અને ભળવા જેવો લાગે ત્યારે જ એની મનોવ્યથા કહેવાની શરૂઆત કરે છે .માણસ પાસે આ સમયે માણસાઈની અપેક્ષા વધુ હોય છે .પોતાનાં દિલના ભીતર છુપાવી રાખેલાં જખ્મો બીજાને બતાવીને પોતાનાં મનની વાત કહેવી એ મોટાભાગના રોગોની સૌથી સરળ ચિકિત્સા છે .આ સમયે બોલાયેલાં પ્રેમસભર શબ્દો ક્યારેક કોઈની જિંદગી પણ બચાવી લે છે .
આત્મહત્યા કરનારાં મોટાભાગના વ્યક્તિઓએ છેલ્લે પોતાનાં ખાસ ગણાતાં વ્યક્તિઓને કોન્ટેક્ટ કર્યા હોવાનાં ઉદાહરણ ઘણાં છે .દરેક વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે જીવનની દરેક પરિસ્થતિમાં અવ્વ્લ કક્ષાનો દેખાવ કરે …એવું હોતું નથી .સગવડ અને સમૃદ્ધિ માટે ખરીદેલાં સાધનો ખુશી આપી શકતાં નથી .
માણસનો ખાલીપો ધીમે ધીમે એને અસહ્ય વેદના આપે છે .બીજા સાથે આ વેદના કદાચ એ વહેંચવા જાય તો , બીજાને એમાં કઈ ઝાઝો રસ નથી હોતો .કેટલીકવાર વેદના વહેંચતા સામેવાળી વ્યક્તિનું જડ અને તોછડું વર્તન વધુ દુઃખી કરી મૂકે છે .આથી ડિપ્રેશન નામનો માનસિક રોગ નાના -મોટા સૌને પોતાનાં ભરડામાં લઇ રહ્યો છે .
લોકોને એકબીજાને ગમતા ,ચાહતા અને પામતા તો આવડે છે પણ નિભાવતા નથી આવડતું .તેથી મોટાભાગની સમસ્યાઓ ઉભી થાય છે . સબંધોમાં જયારે મતભેદ કરતાં મનભેદ વધુ થવાં લાગે ત્યારે મનદુઃખ થવાનાં પ્રસંગો વારંવાર થવાં લાગે છે .
જે પક્ષને ખરેખર અન્યાય થયો હોય એની પાસે બેસી એના કારણો સાંભળવાથી અને એનું નિરાકરણ લાવવાથી સબંધો તૂટતાં બચી જાય છે .આજ છે સાંત્વના નામની જડીબુટ્ટી . આશા રાખું છું આપ સૌ આ જડીબુટ્ટીનો ઉપયોગ વારંવાર કરી તમારી નજીકના લોકો સાથેના ઘવાયેલા સંબંધોની સારવાર કરી સજીવન કરતાં રહો અને હેલ્થી જીવન જીવો.