Western Times News

Gujarati News

પોલીસની નોકરીની સાથે ૭૦૦થી વધુ યુવાનોને તાલીમ આપી કેડી કંડારનાર કોન્સ્ટેબલ

છેલ્લા પાંચ વર્ષથી વહેલી સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને શારીરિક કસોટીની નિઃશુલ્ક તાલીમ આપું છું.

દરેક વ્યક્તિ પોતાની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે અને પોતાનો બિઝનેસ કે નોકરીની સાથે વ્યક્તિ પોતાના માટે પણ સમય કાઢવો શકય બનતો નથી. આધુનિક સમયમાં લોબો બીજાની મદદ કરવા માટે સમય નથી ત્યારે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૩૩ વર્ષીય યુવાન પાંચ વર્ષથી યુવાનોને કારકિર્દી બનાવવામાં મદદ કરી રહ્યા છે.

આ અંગે ચિંતનભાઈ કાપડિયાએ કહ્યું કે, હું ર૦૧રની કેડરમાં પાસ થયેલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે જોડાયેલું છું. હું નિયમિત વ્યાયામ માટે સરદાર પટેલ સ્ટેડિયમ જતો હતો આજથી પાંચ વર્ષ પહેલાં મને જાણ થઈ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનોની ફિઝિકલ ટ્રેનિંગની ફી એક મહિનાની ૩૦૦૦ જણાઈ હતી. સરકારી નોકરીની તૈયારી કરતો મોટાભાગનો વર્ગ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારમાંથી આવે આવે છે.

સરકારી નોકરીની તૈયારીમાં આર્મી, પોલીસ અને ફોરેસ્ટ વિભાગની તૈયારી કરતા વિદ્યાર્થીઓને બેવડી મહેનત અને વધારે નાણાંની જરૂર પડે છે. તેમને વાંચન-લેખનની સાથે શારીરિક કસોટીની પણ તૈયારી કરવી પડે છે તેથી બન્ને કોચિંગની ફી યુવાનોને મૂંઝવણમાં ન મૂકે તેથી મેં તેમની મદદ કરવાનો સંકલ્પ કર્યો.

છેલ્લા પાંચ વર્ષથી વહેલી સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને શારીરિક કસોટીની નિઃશુલ્ક તાલીમ આપું છું. અમે તૈયારી કરતા વિદ્યાર્થીઓના સમૂહના નામ લેટ્‌સ હેલ્પ ગ્રુપ નામ આપ્યું છે.

હું મારી નોકરી સાથે વહેલી સવારે બે કલાક યુવાનોને રનિંગની તૈયારી કરવું છું. પોલીસની નોકરી હોવાને કારણે મારું જીવન વ્યસ્ત અને દોડધામથી ભરેલું છે પરંતુ યુવાનોની મદદ કરવાથી અને આત્મસંતોષ મળે છે તેમવ સ્ફૂર્તિ અને ઉત્સાહમાં વધારો થાય છે. હું તૈયારી કરતો ત્યારે મેં જાતે જ રનિંગની તૈયારી કરી પ્રથમ પ્રયાસમાં પરીક્ષા પાસ કરી હતી તેથી અન્યને માર્ગદર્શન આપવાથી ખુશી અનુભવાય છે.

મારા આ સેવાકાર્યને જોઈને ઘણીવાર અમુક લોકો અને સંસ્થાઓ યુવાનોની મદદ માટે આવે છે. શારીરિક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને અમુકવાર જરૂરિયાતની વસ્તુઓ પણ હું લાવી આપું છું. અત્યાર સુધીમાં મેં ૭૦૦ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે, જેમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ શારીરિક પરીક્ષા પાસ કરી છે. હાલ અમારા ગ્રુપમાં ર૦૦ વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને નિયમિત પ્રેક્ટિસ કરે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.