ઉત્તરાયણથી મકરબા રેલવે ઓવરબ્રિજનું નિર્માણકાર્ય શરૂ થશે
ચાર લેનનો બ્રિજ રૂપિયા ૭ર કરોડના ખર્ચે તૈયાર થશે
(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા ‘ફાટકમુક્ત અમદાવાદ’ અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત મ્યુનિ. સત્તાધીશો રેલવેતંત્ર સાથે મળીને જે તે રેલવેલાઈન પરનાં ફાટકને કાયમ માટે બંધ કરીને ત્યાં રેલવે અંડરપાસ કે રેલવે ઓવરબ્રિજ બનાવવાનો કરોડો રૂપિયાનો પ્રોજેકટ હાથ ધરી રહ્યા છે. અમદાવાદ શહેરમાંથી પસાર થતી બોટાદ રેલવેલાઈનની વાત કરીએ તો આ રેલવે લાઈન પર અત્યાર સુધીમાં નવ અંડરપાસ બની ચૂક્યા છે અને હવે વેજલપુર અને મકરબાના ફાટક પર રેલવે ઓવરબ્રિજ બનાવવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે, જે પૈકી મકરબા ખાતે ટોરેન્ટ પાવર સબસ્ટેશનથી એસજી હાઈવેને જાેડનારો રેલવેબ્રિજ આશરે રૂ.૭ર કરોડના ખર્ચે બનાવવા માટેની મ્યુનિ. તંત્રે કવાયત તેજ કરી હોઈ તેમાં મહદ્અંશે ઉત્તરાયણથી નિર્માણનો ધમધમાટ શરૂ થાય તેવી શક્યતા છે.
અમદાવાદ-બોટાદ રેલવેલાઈનને મીટરગેજમાંથી બ્રોડગેજ લાઈનમાં પરિવર્તિત કરાયા બાદ હવે આ લાઈન પર છેક ભાવનગર સુધીની ટ્રેન દોડતી થઈ છે. આ બ્રોડગેજ કન્ઝર્વેશનનો પ્રોજેકટ વર્ષ ર૦૧-૧૩માં મંજુર થયો હતો. બોટાદ રેલવેલાઈન પર મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા અત્યાર સુધીમાં નવ અંડરપાસ બનાવીને તેને લોકોપયોગી કરાયા છે. આ અંડરપાસમાં આઈઓસી ચેનપુર, વંદેમાતરમ્, ઋતુ બંગલો, અર્જુન આશ્રમ (એલસી-૪), અર્જુન આશ્રમ (એલસી-પ), અગિયારશ માતા મંદિર, વસ્ત્રાપુર રેલવે સ્ટેશન, ચામુંડા, મકરબા અને સરખેજ ખાતેના અંડરપાસનો સમાવેશ થાય છે.
મ્યુનિ. સત્તાધીશો દ્વારા આ તમામ સ્થળોના રેલવે ફાટકને બંધ કરાવી દીધા બાદ હવે ત્યાં નિર્મિત અંડરપાસથી જ વાહનચાલકો અવરજવર કરી રહ્યા છે. જાેકે ચોમાસાના ભારે વરસાદના દિવસોમાં કેટલાક અંડરપાસને પાણી જમા થઈ જવાથી અમુક કલાક માટે બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી. તેમ છતાં આ રેલવેલાઈન પરના ટ્રેન વ્યવહારથી જે રીતે રેલવે ફાટકને બંધ રાખવા પડતાં હતા અને તેના કારણે કીંમતી સમય, પેટ્રોલ વગેરે વેડફાતું હતું તેમાંથી વાહનચાલકોને મુક્તિ મળી ગઈ છે.
હવે તંત્ર મકરબાના ટોરેન્ટ પાવર સબસ્ટેશન ખાતેના રેલવે ફાટક નંબર ર૪ પર ઓવરબ્રિજ બનાવવા જઈ રહ્યું છે, આ રેલવે ફાટક નંબર ર૪ પર રૂ.૭ર કરોડના ખર્ચે ૬૩૬.૮૯પ મીટર લાંબો ઓવરબ્રિજ બનાવાશે, જે માટે જરૂરી સોઈલ અને પાઈલ ટેસ્ટ થઈ ચુક્યા છે. રેલવે પોર્શનમાં આ બ્રિજની લંબાઈ ૩૭.ર૪ મીટરની છે, જયારે રેલવે દ્વારા ભવિષ્યમાં ડબલ ડેકર ગુડઝ કેરેજ દોડાવાય તો તેને ધ્યાનમાં રાખીને બ્રિજની ઉંચાઈ ૮.૩ર૭ મીટરની રખાઈ છે.
મકરબા ખાતેનો આ રેલવે ઓવબર્જ ચાર લેનનો બનશે, બ્રિજની પહોળાઈ ૧૬.૪ મીટરની રખાઈ છે, જેમાં ૭.પ મીટર પહોળાઈની એક મુજબ બે લેન રહેશે. ઉપરાંત ૭.પ મીટર પહોળો સર્વિસ રોડ બનાવાશે, મકરબા બાજુએ જમણી તરફ પ.પ૦ મીટર પહોળો એપ્રોચ રોડ પણ બનશે. રેલવે પોર્શનના નિર્માણ પાછળ રૂ.૧૩.ર૪ કરોડ ખર્ચાશે, જયારે ઈલેકિટ્રક અને લાઈટિંગના કામ માટે રૂ.૯ર.૬૭ લાખના ખર્ચનો અંદાજ તૈયાર કરાયો છે.
આ ઓવરબ્રિજ ઉપરાંત વેજલપુરના સુપ્રસિદ્ધ બુટભવાની મંદિર ખાતેના રેલવે ફાટક નંબર ર૧ ઉપર પણ ઓવરબ્રિજના નિર્માણનો પ્રોજેકટ તૈયાર કરાયો છે. જાેકે આ પ્રોજેકટની કપાતમાં પ્રખ્યાત ખીજડિયા હનુમાનજી મંદિરનો અમુક હિસ્સો અને દાયકાઓ જુના બે વૃક્ષ આવતા હોઈ તેને લઈને વિવાદ થયો છે.