બાંધકામની સાઇટો પર મચ્છર બ્રિડિંગ મળે તો કાયદેસર કાર્યવાહી કરાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના ભરાવાના કારણે મચ્છરોની ઉત્પતિ વધારો થાય છે જેને કારણે ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગના કેસ વધી રહયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા દબાણની સમસ્યા દૂર કરવા વેજિટેબલ માર્કેટ તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ તેના થડ કોને ફાળવવામાં આવે તે મામલે ચાલી રહેલી અસમંજસ દૂર કરવા કમિશનરે સૂચના આપી છે.
મ્યુનિ. કમિશનરની વિકલી રીવ્યુ મિટિંગમાં મચ્છરોની ઉત્પતિ નિયંત્રણ નો મુદ્દો મુખ્ય રહ્યો હતો.કમિશનરે આ મામલે બાંધકામ સાઇટો પર ચકાસણી કરવા તેમજ મચ્છર બ્રિડિંગ મળી આવે તો પેનલ્ટી કરવા સૂચના આપી હતી. મ્યુનિ. આરોગ્ય વિભાગ ઘ્વારા મચ્છર નિયંત્રણ માટે કરવામાં આવતી કામગીરી નું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
મેલેરીયા વિભાગ ઘ્વારા સુતળી ના દડા બનાવી તેને ઓઈલયુક્ત કર્યાં બાદ જે સ્થળે પાણી ભરાયા હોય ત્યાં નાખવામાં આવે છે.આ પદ્ધતિ ખાસ કરીને બંધ મકાનો ના ટેરેસ પર તેમજ જે સ્થળે કર્મચારીઓ જઇ શકે તેમ ન હોય તે સ્થળે દૂરથી નાખવામાં આવે છે. મ્યુનિસિપલ કમિશનરે એક સપ્તાહ પહેલા મળેલી મિટિંગમાં ક્લોરીન વિના પાણી સપ્લાય થતા હોય તો જવાબદાર સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી તેમ છતાં હજી તંત્રની કામગીરીમાં કોઈ જ સુધારો થયો નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશન ના લાંભા વોર્ડમાં ઇન્દીરાનગર તેમજ અન્ય ત્રણ વોર્ડના આઇસોલોટેડ બોરમાંથી સપ્લાય થતા પાણીમાં ક્લોરીન નો અભાવ હોવાનું જાહેર થતા કમિશનરે નારાજગી દર્શાવી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા વેજીટેબલ માર્કેટ તૈયાર કરવામાં આવી રહયા છે. કેટલાક વિસ્તારોમાં આ માર્કેટ તૈયાર પણ થઈ ગયા છે. પરંતુ તેમાં થડા ની ફાળવણી કોને કરવી તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી. કમિશનરે આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા જવાબદાર અધિકારીઓને તાકીદ કરી હતી. તેમજ પોલિસી તૈયાર કરવા સૂચના આપી હતી.