બાંધકામ થતું હોય તેવા સ્થળો ઢાંકવાં પડશે-નિયમ ભંગ સામે કડક કાર્યવાહી
સુરત, સુરત પાલિકાની તમામ મથામણ છતાં સ્વચ્છતામાં બીજા ક્રમથી ઉપર નથી મેળવી શકાયો. આ વખતે પહેલો ક્રમ મેળવવાની મથામણમાં પાલિકાએ ચારેકોર સખ્તાઈ દાખવવાનું શરૂ કર્યું છે. બાંધકામની સાઈટ્સને પણ સંપૂર્ણ ગ્રીન કારપેટથી કવર કરવા માટેની તાકીદ કરાઈ છે. જા તેમાં ગાફેલ રહેશે તો આકરી કાર્યવાહી માટેના નિર્દેશ અપાયા છે.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં નવા મોટા પ્રોજેક્ટના સ્થળે તમામ બાજુએથી ગ્રીન કારપેટથી કવર કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. પાલિકાના આદેશ બાદ તમામ મોટા પ્રોજેક્ટ ગ્રીન નેટથી કવર કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાના આદેશનું પાલન નહીં કરવામાં આવે તો પ્રોજેક્ટ બનાવનારા ડેવલપરને નોટિસ આપવા સાથે બાંધકામ રજાચીઠ્ઠી રદ્દ કરવા સુધીની ચીમકી આપવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાના સ્વચ્છતા સર્વેક્ષણ અને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતામાં અગ્રીમ સ્થાન મેળવવા માટે પ્રયાસના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ દ્વારા હાલમાં શહેરમાં જે બાંધકામ થઈ રહ્યું છે તેવી તમામ મોટા પ્રોજેક્ટમાં ગ્રીન નેટ બાંધવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કારપેટ કવર કરીને તમામ મોટા પ્રોજેક્ટના બાંધકામ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.