વાયદા મુજબની ઓફર ન આપનાર કંપનીને ગ્રાહક કોર્ટનો ફટકો
વ્યાજ સાથે ૯૦ હજાર ગ્રાહકને પરત કરવા આદેશ
મહેસાણા, લોભામણી લાલચ આપી હોલીડે મેમ્બરશીપ માટે રૂ.૯૦ હજાર વસુલ્યા બાદ ગ્રાહકને વાયદા મુજબની ઓફર ન આપનાર હોસ્પિટાલીટી કંપનીને મહેસાણા જિલ્લા ગ્રાહક કોર્ટે વ્યાજ સાથે રકમ પરત કરવાનો આદેશ કર્યો હતો.
મહેસાણાના ટીબી રોડ પર સાઈવિલા સોસાયટીમાં રહેતા વ્યાસ સંજીવકુમાર નટવરલાલને સુરતની બીવાયડી હોસ્પિટાલિટી પ્રા.લિ. કંપનીએ ફોન કરીને તા.૧૯.ર.ર૦ર૩ના રોજ મહેસાણાની ખાનગી હોટલમાં બોલાવી હોલિડે મેમ્બરશીપ માટે લાલચ આપી હતી. રૂ.૧.૪પ લાખમાં પાંચ વર્ષની મેમ્બરશીપ રાજીવકુમારે તેમના પત્નીના નામે લીધી હતી અને છ મહિનામાં જમા કરવાનો સમય અપાયો હતો.
કંપનીએ દબાણ કરતા તેમણે રૂ.૭૦ હજાર અને રૂ.ર૦ હજારનું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. કંપનીએ કરેલા વાયદા મુજબની સહી-સિક્કાવાળી કંપનીના લેટરપેડની કોપી તેમને સાત દિવસમાં ઘરે મોકલવાનો વાયદો પણ કૃયો હતો. પરંતુ ફોન અને ઈમેઈલથી જાણ કર્યા બાદ પણ કોપી ન મળતાં રાજીવકુમારે રિફંડ માગતા કંપનીએ રિફન્ડ મળવાપાત્ર ન હોવાનો ઉડાઉ જવાબ આપી દીધો હતો.
કસ્ટમર કેર વગેરે જગ્યાએ વાત કરતા છેવટે તા.ર૮.૩.ર૦ર૩ના રોજ વેલકમ લેટર સાથે મેમ્બરશીપ કાર્ડ મોકલ્યુ હતું જેમાં વાયદા મુજબની કોઈ ઓફરનો ઉલ્લેખ ન હતો.
જેથી રાજીવકુમારે જાગૃત નાગરિક ટ્રસ્ટ- ગ્રાહક સુરક્ષા મંડળ મારફત મહેસાણા જિલ્લા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી જેમાં વકીલ શીતલ કે. પટેલની દલીલો અને પુરાવા ધ્યાને લઈ જિલ્લા ગ્રાહક કોર્ટે રૂ.૯૦ હજાર ૯ ટકા વ્યાજ સાથે અરજદારને ચુકવવાનો કંપનીને આદેશ કર્યો હતો તેમજ હેરાનગતિ માટે રૂ.પ૦૦૦ અને અરજી ખર્ચ પેટે રૂ.ર૦૦૦ ચુકવવાનો પણ આદેશ કર્યો હતો.