હિંગ અને અજમાનું પાણી, લીમડાનું તેલ, છાશ જેવા પ્રાકૃતિક તત્વોના ઉપયોગથી પાક જીવાતનું નિયંત્રણ
આગામી સમય પ્રાકૃતિક ખેતીનો: છેલ્લા 5 વર્ષમાં 15 વીઘા સુધી પ્રાકૃતિક ખેતીનું વિસ્તરણ કરવામાં સફળ રહેલા જયેશભાઈ
“બિમારીમાં ડૉકટર પાસે જવું પડે છે, એમ ભવિષ્યમાં લોકોએ ખેડૂત પાસે જવું પડશે!”:- ખેડૂત જયેશભાઈ પટેલ
મિશ્ર પાક દ્વારા રાસાયણિક ખેતીની સરખામણીમાં 70% જેટલી વધુ આવક મેળવતા જયેશભાઈ પટેલ
“બિમાર પડો ત્યારે ડોકટર પાસે જવું પડે છે અને ડૉકટરની સલાહ અને સારવાર લેવી પડે છે તેમ આવનારા સમયમાં લોકોએ ખેડૂત પાસે જવું પડશે અને ખેડૂતની સલાહ લેવી પડશે!” આ વિચારો છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરઢી ગામના ખેડૂત શ્રી જયેશભાઈ પટેલના. તેમના આ વિચારો આપણને ભવિષ્ય માટે વિચારવા મજબૂર કરે છે અને માનવ સ્વાસ્થ્યને લઈ ચેતવણી પણ આપે છે.
સૌને માટે સ્વાસ્થ્યવર્ધક પાકનું ઉત્પાદન કરતા પ્રાકૃતિક ખેતીના હિમાયતી ખેડૂત શ્રી જયેશભાઈ પટેલ પાસે 40 વીઘા જમીન છે. શરૂઆતના વર્ષોમાં તેઓ રાસાયણિક ખેતી કરતા હતા. પરંતુ પાંચ વર્ષ પહેલાં તેમના ખેતર સુધી નર્મદાના નીર પહોંચતા તેમણે કપાસ અને જુવાર સાથે જીરાનો પાક લેવાની શરૂઆત કરી હતી.
આ સમય દરમિયાન શ્રી જયેશભાઈ પટેલ ખેતીવાડી વિભાગના આત્મા દ્વારા ચાલતી પ્રાકૃતિક કૃષિ માટેની તાલીમમાં સહભાગી થતા હતા. ધીમે ધીમે તેમને પ્રાકૃતિક કૃષિ વધારે રસપ્રદ અને આરોગ્યલક્ષી લાગતા તેમણે રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
આજથી પાંચ વર્ષ પહેલા શ્રી જયેશભાઈએ પાંચ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તુવેરના પાક સાથે તેઓ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. આજે વિવિધ કૃષિ પાકો પ્રાકૃતિક પદ્ધતિથી પકવે છે.
શ્રી જયેશભાઈ પટેલ પાસે એક દેશી ગાય છે. તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પણ શરૂઆત કરી, સમય જતા તેમના ખેતરમાં તેમણે મરચી, હળદર, તરબૂચ અને અન્ય મિશ્ર પાક પણ લેવાની શરૂઆત કરી. પ્રાકૃતિક પેદાશો સાથે પોતાના કુટુંબને પ્રાકૃતિક પેદાશો મળી રહે તે માટે શાકભાજીના પાક લેવાની શરૂઆત કરી હતી.
શ્રી જયેશભાઈ પટેલ પાકમાં જીવાત નિયંત્રણ માટે 24 કલાક સુધી હિંગ અને અજમાને પાણીમાં પલાળી રાખી તેમાં લીમડાના તેલનું મિશ્રણ કરી બનાવેલા પાણીનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ખાટી છાશ પણ જીવાત નિયંત્રણ માટે ઉપયોગી બને છે એમ તેમણે જણાવ્યું હતું. આ પ્રકારના પાણીના ઉપયોગથી તેમની જમીનમાં જીવાત અને રોગ નિયંત્રણ સાથે ખેડૂતના મિત્ર અળસિયાનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે.
શ્રી જયેશભાઈએ હાલમાં 15 વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કર્યો છે. સમયાંતરે તેઓ રાસાયણિક ખાતરની સરખામણીમાં પ્રાકૃતિક કૃષિમાં વધારે ઉત્પાદન કરવા માંગે છે. રાસાયણિક ખેતીની સરખામણીમાં તેઓ 70% જેટલી આવક પ્રાકૃતિક ખેતી દ્વારા મેળવે છે.
શ્રી જયેશભાઈએ પ્રાકૃતિક ખેતીના ફાયદા ગણાવતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી મારા ખેતરની જમીન ફળદ્રુપ બની રહી છે અને જમીનમાં અળસિયાનું પ્રમાણ પણ વધ્યું છે. પ્રાકૃતિક ખેતીથી જમીન જીવંત રહે છે અને પાકની લીલોતરી ખીલી ઊઠે છે. સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા ફાયદા સાથે તેમના જીવનમાં ઘણી રીતે પ્રાકૃતિક ખેતી દ્વારા “વેલ્યુ એડીશન” થતું તેમણે અનુભવ્યુ છે. આગામી સમય પ્રાકૃતિક ખેતીનો સમય છે, પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક પેદાશોને અપનાવી તેના ફાયદા સૌ કોઈએ લેવા જોઈએ તેમ તેમનું દ્રઢપણે માનવું છે.