Western Times News

Gujarati News

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના વિચિત્ર નિવેદનથી વિવાદ

નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના સાથી સામ પિત્રોડાના નિવેદન પર વિવાદ ઉભો થયો છે. પિત્રોડાએ કહ્યું કે, ચીન તરફથી ખતરો છે તેવું કહેવું ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ હોય છે. હવે સમય આવી ગયો છે કે આપણે આપણા પાડોશી દેશને ઓળખીએ અને તેનું સન્માન કરીએ.

ભારતે પોતાની માનસિકતા બદલવાની અને ચીન દુશ્મન છે તેવી ધારણા છોડી દેવાની જરૂર છે. એ જરૂરી નથી કે આપણે હંમેશા ચીનને આપણો દુશ્મન માનીએ. પિત્રોડાના આ નિવેદન પર ભાજપે સમગ્ર કોંગ્રેસ પાર્ટીને ઘેરી લીધી છે.

પિત્રોડાએ કહ્યું હતું કે, ‘મારું માનવું છે કે હવે સમય આવી ગયો છે કે બધા દેશોએ સહયોગ કરવો જોઈએ, અથડામણ નહીં. શરૂઆતથી જ અમારો અભિગમ સંઘર્ષાત્મક રહ્યો છે અને આ વલણ દુશ્મનો પેદા કરે છે. આપણે આ માનસિકતા બદલવાની જરૂર છે અને એવું માનવું બંધ કરવાની જરૂર છે કે ચીન પહેલા દિવસથી જ દુશ્મન રહ્યું છે.’

પિત્રોડાની આ ટિપ્પણી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની તાજેતરની બેઠકને લગતી ચર્ચાઓ વચ્ચે આવી છે, જેમાં ભારત-ચીન સરહદી તણાવ પર ચર્ચાનો સમાવેશ થાય છે.કોંગ્રેસે સોમવારે પોતાના નેતા સેમ પિત્રોડાના ચીન પરના નિવેદનોથી પોતાને દૂર રાખતા કહ્યું કે તે પાર્ટીના મંતવ્યો નથી.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ જયરામ રમેશે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સામ પિત્રોડાએ ચીન પર જે વિચારો વ્યક્ત કર્યા છે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિચારો નથી. ચીન આપણી મુખ્ય વિદેશ નીતિ, બાહ્ય સુરક્ષા અને આર્થિક પડકાર છે.

કોંગ્રેસે મોદી સરકારના ચીન પ્રત્યેના અભિગમ પર વારંવાર પ્રશ્નો ઉઠાવ્યા છે, જેમાં ૧૯ જૂન, ૨૦૨૦ના રોજ પીએમ દ્વારા જાહેર ક્લીનચીટનો પણ સમાવેશ થાય છે.પિત્રોડાના નિવેદન પર ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે સામ પિત્રોડાએ કોંગ્રેસ પાર્ટીના ચીન સાથેના કરારનો ખુલ્લેઆમ પર્દાફાશ કર્યાે છે.

ગંભીર વાત એ છે કે સામ પિત્રોડાએ જે કંઈ કહ્યું છે તે ભારતની અસ્મિતા, રાજદ્વારી અને સાર્વભૌમત્વ માટે મોટો આઘાત છે. રાહુલ ગાંધીએ વિદેશમાં પણ આવા જ ઘણા નિવેદનો આપ્યા છે. થોડા સમય પહેલા તેમના વિદેશ પ્રવાસ દરમિયાન તેમણે કહ્યું હતું કે ચીને બેરોજગારીની સમસ્યાને ખૂબ સારી રીતે હલ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.