Western Times News

Gujarati News

ભરેલા ગેસના બોટલોમાંથી ત્રણથી ચાર કિલો કાઢી બીજી ખાલી બોટલમાં રિફિલિંગનું કૌભાંડ

ભરૂચ એસઓજી પોલીસે રાંધણ ગેસમાંથી રિફિલિંગ કરવાનો પર્દાફાશ કર્યો -ભરેલા બોટલોમાંથી ત્રણથી ચાર કિલો અન્ય ખાલી બોટલમાં રિફિલિંગ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા બે લોકોને ૨૧ બોટલો સાથે ઝડપી પાડયા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચમાં રાંધણ ગેસ સિલિન્ડર ગ્રાહકોના ઘરે ઓછા વજન વાળા પહોંચતા હોવાની બૂમો વચ્ચે ભરૂચ એસઓજી પોલીસે ટેમ્પો ચાલક તથા અન્ય એક મળી બે લોકો ગેસ સિલિન્ડર માંથી ત્રણ થી ચાર કિલો ગેસ કાઢી લઈ અન્ય બોટલમાં રિફિલિંગ કરી કૌભાંડ આચરતા હોવાનો પર્દાફાશ કરી પોલીસે ૨ લાખ ઉપરાંત નો મુદ્દમાલ જપ્ત કરી બે લોકોને ઝડપી પાડી ગેસ રિફિલિંગ કૌભાંડ ખુલ્લું પાડયું હતું.

ભરૂચ એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવજ જતા રોડ ઉપર એક બોલેરો પીકઅપ ગાડીમાં રાંધણ ગેસના બોટલો માંથી અન્ય બોટલોમાં ગેસ રિફલીંગ કરવામાં આવે છે.જેથી એસઓજીની ટીમે રેઈડ કરતા ઘટના સ્થળ ઉપરથી પીકઅપ વાનમાં રાખેલ ૧૪ કિલો ગેસ ભરેલા ૧૮ બોટલો માંથી ત્રણ થી ચાર કિલો ગેસ કાઢીને અન્ય ખાલી ૩ બોટલોમાં રિફિલિંગ કરવાની કામગીરી ચાલી રહી હતી

અને તે દરમ્યાન પોલીસે દરોડા પાડયા હતા.પોલીસની તપાસમાં ઘટના સ્થળેથી પ્રકાશચંદ્ર બીરૂરામ બિશ્નોઈ હાલ રહે.ચાવજ જી.ભરૂચ અને મુળ રહે.રાજસ્થાનના તથા સુભાષ રામુરામ સીંગડ હાલ રહે.ચાવજ અને મુળ રહે.રાજસ્થાનનાને પીકઅપ ગાડી તથા રાંધણગેસની ખાલી બોટલ નંગ ૩,ગેસના ભરેલ બોટલ નંગ ૧૮, વજન કાંટો,ગેસ રિફલીંગ પાઈપ મળી કુલ રૂપિયા ૨,૧૬,૬૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

ભરૂચમાં ગ્રાહકોના ઘરે રાંધણ ગેસના સિલિન્ડરો પહોંચાડવા જતા પહેલા ટેમ્પો ચાલક અને તેનો મારતીયો ગ્રાહકના સિલિન્ડર માંથી અન્ય ખાલી સિલિન્ડરમાં થોડો થોડો ગેસ કાઢી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા અને ગ્રાહકને ઓછો ભરેલો ગેસ નો સિલિન્ડર ભરેલો બોટલ પધરાવી છેતરપિંડી કરતા હોય જેથી રિફિલિંગ કરવાની પાઈપ,વજન કાંટો સહિતની સામગ્રીઓ જપ્ત કરી છે અને કેટલા સમયથી કૌભાંડ ચલાવતા હતા અને આ કૌભાંડથી એજન્સી અજાણ હતી કે કેમ તે માટે રિમાન્ડ મેળવવની કવાયત હાથધરી છે તેમ ભરૂચ એસયોજી પીઆઈ આનંદ ચૌધરીએ જણાવ્યું હતું.

ગેસ એજન્સી માંથી ગ્રાહકોને ફાળવવામાં આવેલ બોટલોની ડિલિવરી કરવાની કામગીરી દરમ્યાન ગેસના ભરેલા બોટલો માંથી થોડો થોડો ગેસ કાઢી લઈને ખાલી બોટલોમાં ભરીને તે બીજાને વેચી દેવા માટે આવું અનઅધિકૃત અને જોખમી ગેસ રિફલીંગ કરવામાં આવતું હોવાનું પોલીસ તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે એક બોટલમાં ૧૪ કિલો ગેસ હોઈ આવી ૧૮ બોટલો માંથી થોડો થોડો ગેસ રિફલીંગ પ્રવૃત્તિ દ્વારા કાઢી લઈને અન્ય ખાલી ૩ બોટલોમાં ભરવામાં આવતા જે ગ્રાહકોને ગેસ બોટલની ડિલિવરી કરવાની હોય તેમને દેખીતી રીતે પુરી કિંમત ચુકવવા છતાં ઓછો ગેસ મળે આને લઈને ગ્રાહકોએ ચોખ્ખું નુકશાન ભોગવવું પડતું હોવાનું બહાર આવ્યું હતું.ત્યારે અગાઉ કેટલીવાર આ મુજબ ગેસ રિફલીંગ કરીને ગ્રાહકોને ચુનો લગાડાયો હશે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.