Western Times News

Gujarati News

અમદાવાદ પછી જામનગર, સુરત અને રાજકોટમાં પણ કોરોનાના નવા કેસ કન્ફર્મ થયા

અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૧૭ કેસઃ એક્ટિવ કેસની સંખ્યા ૭૬ થઈ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના રોગચાળાએ માથું ઉંચકયું છે જેના કારણે નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને નાગરિકો ર૦ર૦ અને ર૦ર૧ની પરિસ્થિતિને યાદ કરીને ધ્રુજી ઉઠયા છે. શહેરમાં માત્ર એક જ દિવસમાં કોરોનાના ૧૭ નવા કેસ કન્ફર્મ થયા છે તેમજ માત્ર ૪ દિવસમાં જ એક્ટિવ કેસની સંખ્યા બમણા કરતા પણ વધી ગઈ છે.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ફરી એક વખત દેશ અને દુનિયાને બાનમાં લીધુ છે સીંગાપુર, થાઈલેન્ડ અને મલેશિયા બાદ ભારતમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. તેવી જ રીતે ગુજરાત રાજય અને અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ચાલુ માસ દરમિયાન કુલ ૮૯ કેસ નોંધાયા છે જે પૈકી ૧૩ દર્દી સાજા થઈ ગયા છે જયારે ૭૬ પેશન્ટ હજી પણ સારવાર હેઠળ છે

મતલબ કે અમદાવાદમાં ૭૬ એક્ટિવ કેસ છે. નોંધનીય છે કે ગત ર૩ તારીખે એક્ટિવ કેસની સંખ્યા માત્ર ૩૧ જ હતી. શહેરમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન કોરોનાના નવા ૧૭ કેસ નોંધાયા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાંથી કોરોનાના કેસ કન્ફર્મ થઈ રહયા છે. ચોંકાવનારી બાબત એ છે કે એલ.જી.હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાંથી પણ કોરોનાનો કેસ નોંધાયો છે. અગાઉ પણ ગર્લ્સ હોસ્ટેલમાંથી એક કેસ કન્ફર્મ થયો હતો.

અમદાવાદના જોધપુર, બોડકદેવ, પાલડી અને વાસણા સહિતના વોર્ડમાંથી કોરોનાના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. શહેરમાં હાલ એક્ટિવ ૭૬ કેસ પૈકી માત્ર બોડકદેવ વોર્ડમાં જ ૧પ એક્ટિવ દર્દી છે જ્યારે જોધપુરમાં એક્ટિવ દર્દીની સંખ્યા ૧૧ છે.

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈ રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહયા છે અને આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

રાજયના જામનગર શહેરમાં પણ વિદેશ ફરવા ગયેલ પરિવારના તમામ ચાર સભ્યો કોરોનાનો શિકાર બન્યા છે અને હાલ તેઓ આઈસોલેશન હેઠળ છે. આ ઉપરાંત રાજકોટમાં પણ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કોરોનાના નવા ૪ કેસ નોંધાયા છે. જયારે સુરતમાં પણ વધુ એક પોઝીટીવ કેસ આવ્યો છે.

રાજ્યમાં વધતા જતાં કોરોનાને કેસને ધ્યાનમાં લઈ સરકારે પણ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને પણ દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે તમામ સવલત ઉપલબ્ધ કરવા સૂચના આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.