બે અનાથ બાળકોને કોરોનાની સહાય માટે બેન્ક મેનેજરે ઘસીને ના પાડી
પિતાએ ખેતી કરવા માટે લીધેલી બેન્ક લોન ભર્યા બાદ સહાય ચૂકવવાની જીદ
ગોધરા, કોરોનાકાળમાં અનાથ થયેલા ગોધરાના ર અનાથ બાળકોને મળતી સરકારી સહાય ચુકવવા બેન્ક મેનેજરે ઈનકાર કરી દીધો. રાયસીંગપુરામાં રહેતા યોગેન્દ્રસિંહ રાયમલસિંહ રાઠોડ અને હરજીતસીંહ રાયમલસિંહ રાઠોડની માતા વર્ષ ર૦૧૬મા મૃત્યુ પામી હતી.
બાદમાં કોરોનામાં તેમના પિતા પણ મૃત્યુ પામતા બંને બાળકો અનાથ થઈ ગયા હતા. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બંને ભાઈઓના ખાતામાં દર માસે રૂા.૪ હજારની સહાય હરકુંડી ગામે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં જમા કરાવ્યા હતા.
કોરોનાથી મૃત્યુ પામેલાનો મોટો દીકરો યોગેન્દ્રસિંહ ધો.૧૧ અને નાનો દીકરો હરજીતસિંહ ધો.૭માં અભ્યાસ કરે છે તેઓના બેંક એકાઉન્ટમાં દર માસે સહાયના ૪ અને ૪ હજાર મળીને બંને ભાઈઓના ખાતામાં રૂા.૮૦૦૦ જમા થયા છે.
મેનેજરનું કહેવું છે,
પહેલા અમારી બેંકમાંથી અનાથ થયેલા બાળકોના પિતાએ લીધેલી ખેતી લોનના પૈસા ભરો તો જ પૈસા મળશે. અનાથ બાળકોના પિતાએ લીધેલી લોન વ્યાજ સાથે ૭ર હજાર જેટલી થતી હતી. તેની રિકવરી કરવા બેંક મેનેજરે બાળકોને મળતી સહાય વર્ષ ર૦ર૧ના ઓકટોબર માસથી રોકી દેતા બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે.