Western Times News

Gujarati News

કોરોના મહામારીના તથ્યો છુપાવવા બદલ ચીનને ૨૪ અબજ ડૉલરનો દંડ

આ મામલે ચીન તરફથી કોઈ દલીલ કરવામાં આવી નથી

વોશિંગ્ટન,  વિશ્વભરમાંથી કરોડોના જીવ લેનારી કોવિડ મહામારી માટે અમેરિકાની ફેડરલ કોર્ટે ચીનને દોષિત ઠેરવ્યું છે. જેના માટે ચીનને ૨૪ અબજ ડોલરથી વધુનો દંડ પણ ફટકાર્યો છે. ફેડરલ કોર્ટના જજે શુક્રવારે આ મામલે ચુકાદો આપતાં ચીનને કોવિડ મહામારીના તથ્યો છુપાવવા, વિશ્વને ગેરમાર્ગે દોરવા બદલ અને સુરક્ષાત્મક ઉપકરણોનો સંગ્રહ બદલ દોષિત ઠેરવ્યો છે.

મિસૌરીના અધિકારી ચીનની સંપત્તિઓ જપ્ત કરી શકે છે. મહામારીના પ્રારંભિક દિવસોમાં એપ્રિલ, ૨૦૨૦માં મિસૌરી એટર્ની જનરલના કાર્યાલય દ્વારા દાખલ કેસમાં ચીનની સરકાર પર વાઈરસના ફેલાવા વિશે માહિતી છુપાવવા તેમજ વિશ્વના અન્ય હિસ્સામાંથી પર્સનલ કેર, પીપીઈ, સુરક્ષા ઉપકરણોનો સંગ્રહ કરી વિશ્વમાં પુરવઠાની અછત ઉભી કરવાનો આરોપ હતો.

આ મામલે ચીન તરફથી કોઈ રજૂઆત કે દલીલ કરવામાં આવી નથી. વોશિંગ્ટન સ્થિત ચીનના દૂતાવાસના અધિકારીઓએ આ મામલે કોઈ ટીપ્પણી આપી નથી. પોતાના ચુકાદામાં જજ સ્ટીફન એન. લિંબાધ જૂનિયરે જણાવ્યું હતું કે, ચીને કોવિડ-૧૯ મહામારીના જોખમ પર વિશ્વને ગેરમાર્ગે દોર્યુ હતું. પીપીઈનો સંગ્રહ કરી એકાધિકારવાદી કાર્યવાહીઓ કરી હતી.

ચીનની કોવિડથી રક્ષણ આપતાં ઉપકરણોની જમાખોરીના કારણે અમેરિકામાં વાઈરસનો સામનો કરવા માટે મેડિકલ સર્વિસ પ્રોવાઈડર પાસે પર્યાપ્ત પુરવઠો રહ્યો ન હતો. નવો પુરવઠો ખરીદવો પણ મુશ્કેલ બન્યો હતો. મિસૌરીના પૂર્વ જિલ્લાની અમેરિકાની કોર્ટના જજ લિંબાધે ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી, સ્થાનિક સરકાર, સહિત દેશની સ્વાસ્થ્ય એજન્સી અને એક રિસર્ચ સેન્ટર વિરૂદ્ધ આ ચુકાદો આપ્યો છે.

મિસૌરીના એટર્ની જનરલ એન્ડ્રયુ બેલીએ જણાવ્યું કે, ચીને કોર્ટમાં હાજર થવાનો ઈનકાર કર્યો હતો. જો કે, તેની ગેરહાજરીથી તે વિશ્વ પર આવેલા અગણિત દુખ અને આર્થિક નુકસાનથી બચી શકશે નહીં. અમે ચીનની માલિકીની સંપત્તિઓ જપ્ત કરી દંડની રકમ વસૂલ કરીશું. ૨૦૨૦માં આ કેસ નોંધાયો હતો. તેના થોડા સમય બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ કેસ નકામો છે, અને તેનો કાયદાકીય કોઈ આધાર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.