અન્ય બીમારીઓ અને વૃદ્ધ હોવાના લીધે દર્દીઓના મોત થયા : કોરોના મુદ્દે હાઇકોર્ટમાં જવાબ
અમદાવાદ: કોરોના મુદ્દે હાઇકોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકારે તેનો જવાબ રજૂ કર્યો છે. જેમાં રાજ્ય સરકારે કહ્યું છે કે આરોગ્યની સેવા મેળવવી એ મૂળભૂત અધિકાર છે, પરંતુ તે યોગ્ય પ્રતિબંધને આધારિત છે. કોરોનાની સ્થિતિમાં સરકાર અમુક ચોક્કસ રોક લગાવી શકે છે.આઇસીએમઆરની માર્ગદર્શિકા પ્રમાણે દરેક રાજ્યો એકસૂત્રતા ધરાવતી નીતિ અપનાવે તે હિતાવહ છે. આ ઉપરાંત રાજ્ય સરકારે કહ્યું છે કે રાજ્યમાં ICMR માન્યતા આપેલી ૧૯ ખાનગી લેબોરેટરીઓ છે. કોઈ સુવિધા સંપન્ન લેબોરેટરીએ માન્યતા મેળવવા માટે સરકારમાં અરજી કરી હોય અને તે પડતર હોય તેવી કોઈ માહિતી નથી.આઇસીએમઆરની વેબસાઈટ પર પણ આ અંગે કોઈ માહિતી નથી. રાજ્ય સરકારે તેના જવાબમાં એ પણ કહ્યું છે કે સિવિલમાં અન્ય બીમારીઓ અને દર્દીઓ વૃદ્ધ હોવાના લીધે મૃત્યુ પામ્યા છે. તેમાં સિવિલના તંત્ર કે રાજ્ય સરકારનો કોઇ વાંક નથી.
ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધી ૩૨૯૨ દર્દીઓને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા અને તેઓ સારવાર લઇ ચૂક્યા છે. ખાનગી હોસ્પિટલમાં ૨૦૭૭ પથારીઓ છે, જેમાં ૯૧૧ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. સરકારે કહ્યું કે સરકાર પુરતા પગલાં લઈ રહી છે.
રાજ્ય સરકારે કહ્યું હતું કે સિવિલમાં સ્ટાફની કોઈ અછત નથી. કોરોનાના દરેક પ્રકારના દર્દીઓને યોગ્ય સારવાર, સારી સુવિધા અને જમવાનું પણ મળે છે. કોરોનાના દર્દીઓની સારવારમાં કોઈ બેદરકારી રાખવામાં આવતી નથી. અન્ય રોગ અને વૃદ્ધ હોવાના લીધે દર્દીઓના મોત થયા છે. ડોક્ટર્સ અને સ્ટાફન પીપીઁઁઈ કિટ સહિત તમામ સુરક્ષાના સંસાધન અપાય છે.
મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન (આરોગ્ય પ્રધાન) સતત સિવિલની કામગીરી પર નજર રાખી રહ્યા છે. જેમને કોરોના અંગેની જવાબદારી સોંપવામાં આવી છે તે તમામ ઉચ્ચ અધિકારીઓ પણ સતત નજર રાખી રહ્યા છે. જે ખાનગી હોસ્પિટલ સામે વધુ ફી લેવાનો આક્ષેપ છે તેમની સામે તપાસ ચાલી રહી છે. વી.એસ.હોસ્પિટલ અંગે સરકારે જવાબ રજૂ કરતા કહ્યું કે વીએસ હોસ્પિટલમાં ૫૦૦ બેડની સુવિધા છે જ્યાં ગાયનેક, જનરલ, મેડિસિન, ઓર્થોપેડિક ના દર્દીઓની સારવાર થઈ રહી છે.