Western Times News

Gujarati News

આ ગામના સરપંચ- તેમના ભાઈ અને તલાટી વિરુદ્ધ નાણાંની ઉચાપતની ફરિયાદ નોંધાઈ

(પ્રતિનિધિ) ઉમરેઠ, ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને સરપંચના ભાઈએ મળીને નાણાંકીય ગેરરીતીઓ આચરીને કુલ ૩૫.૬૭ લાખ ઉપરાંતની ઉચાપત કરતા સમગ્ર મામલો ઉમરેઠ પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં ઉમરેઠ તાલુકા પંચાયતના નાયબ ચીટનીશ દ્વારા ફરિયાદ અપાતા પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી.

પ્રાપ્ત વિગતો અનુસાર સુંદલપુરા ગામના પરંતુ હાલમાં આણંદ ખાતે રહેતા બી.એન.પટેલે ગત તારીખ ૧૧-૭-૨૨ના રોજ ઉમરેઠ તાલુકા પંચાયત કચેરી અને જિલ્લા વિકાસ અધિકારી, આણંદને અરજી કરીને જણાવ્યું હતુ કે, ગામના સરપંચ અને તલાટીએ ભેગા મળીને ૬૦ લાખ રૂપિયા જેટલી ઉચાપત કરી છે. જે ની તપાસ વિસ્તરણ અધિકારીને સોંપવામાં આવી હતી.

જેમણે તપાસ કરતા સરપંચ વિનયકુમાર રમેશભાઈ ઝાલા અને તલાટી કમ મંત્રી મહેન્દ્રસિંહ રણછોડભાઈ રાઠોડ (એમ. આર. રાઠોડ) એ ભેગા મળીને કુલ ૧૦ જેટલા વાઉચરોમાં નાણાંકીય ગેરરિતીઓ આચરીને ૧,૯૭,૧૫૦ રૂપિયાની ગેરરિતીઓ આચરી હતી. રસ્તા રીપેરીંગ, ઈલેક્ટ્રીક માલસામાન, મોટર રીવાઈન્ડીંગ, મોટર કાઢવાની મજુરી, ગ્રામ સફાઈ સહિત વિવિધ બહાના હેઠળ કાચા વાઉચરો બનાવીને ઉક્ત રકમ મેળવી લેવામાં આવી હતી.

આ ઉપરાંત તારીખ ૨૦-૬-૨૦૨૨ના રોજ ઉમરેઠ તાલુકા પંચાયત દ્વારા સુંદલપુરા ગામને ૬૩,૧૮,૫૭૭ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેથી ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો કરવા માટે તારીખ ૨૫-૫-૨૨ના રોજ સામાન્ય સભાનો ઠરાવ કરીને ૧૬ જેટલા કામો કરવા માટે ઉમરેઠ તાલુકા પંચાયતમાં મોકલી આપવામાં આવ્યા હતા, પરંતુ તાલુકા પંચાયત દ્વારા ૧ થી ૧૨ કામોનો સૈધ્ધાંતિક સ્વિકાર કરવામાં આવ્યો હતો.

જેમાં વિવિધ વિસ્તારોમાં બ્લોક પેવિંગ, ડબલ્યુબીએમ રોડના કામોનો સમાવેશ થાય છે. જેની કુલ રકમ ૪૩,૧૭,૩૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. આ વર્ક ઓર્ડર મેળવ્યા પહેલા તારીખ ૨૯-૬-૨૦૨૨ના રોજ ઉક્ત કામો અંગેના માત્ર કાચા બીલો ઉપર ૩૪ લાખ સરપંચના ભાઈ જયરાજભાઈ રમેશભાઈ ઝાલાને ચુકવી આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.