વર્ષોથી ચાલ્યો આવતો વાટકી વ્યવહાર જેવો જ આજે આ કટકી વ્યવહાર
કટકીનો ચટાકો: કર્મના ફળથી માંદગીમાં પટકાતા અને તંદુરસ્તીમાં નબળા પડતા દર્દીને આર્થિક રીતે ખુવાર કરવામાં કેટલાક લાગણીહીન ડોક્ટરો કાંઈ જ કસર બાકી રાખતા નથી અને સામાન્ય વર્ગનો માનવી પૈસે ટકે પાયમાલ થઈ જાય છે.
સામાન્ય રોગ જેવા કે શરદી તથા ઉધરસ કે સામાન્ય તાવને બાદ કરતાં દર્દી અમુક મતલબી ડોક્ટર પાસે જાય તો તેનું આવી જ બન્યું. રિપોર્ટ પર રિપોર્ટ કઢાવવાને બહાને દર્દીના ખિસ્સાનો ભાર હળવો કરવામાં એવા ડોક્ટરો મોટો ભાગ ભજવે છે. તે ડોક્ટરો પોતે નિશ્ચિત કરેલી અમુક પેથોલોજી લેબોરેટરીમાં જ રિપોર્ટ કઢાવવાનો આગ્રહ કરે છે.
અને તે ડોક્ટરો પોતાનું કમિશન વખતો વખત પેથોલોજી લેબોરેટરી પાસેથી મેળવી લે છે. આ કમિશન બીજા અર્થમાં કટકી વ્યવહાર કહેવાય. ઘણા વર્ષોથી ચાલ્યો આવતો વાટકી વ્યવહાર જેવો જ આજે આ કટકી વ્યવહાર બની ગયો છે.
એક ડોક્ટરની સારવારથી દર્દીને સુધારો ન થતાં એ બીજા કોઈ મતલબી ડોક્ટર પાસે જાય તો તેઓ આગલા ડોક્ટરે કઢાવેલ રિપોર્ટ માન્ય ન રાખતાં પોતે નિશ્ચિત કરેલી પેથોલોજી લેબોરેટરીમાંથી જ બીજા રિપોર્ટ કઢાવવા દર્દીને જણાવે છ તથા પોતે પોતાની કટકી લેબમાંથી મેળવી લે છે અને દર્દી આર્થિક રીતે બોજા હેઠળ દબાઇ જાય છે.
ઘણી વખત અમુક મતલબી ફેમીલી ડોકટરો પોતાના દર્દીને સાજા કરવામાં નિષ્ફળ રહેતા અમુક એવા નિષ્ણાત ડોક્ટરો પાસે લઈ જાય છે અને તેમાં પણ પોતાનું કમિશન મેળવવામાં પાછા પડતા નથી. દર્દીને માનસિક રીતે સારૂં લાગે કે સારા નિષ્ણાત ડોક્ટરને બતાવ્યું પરંતુ આ એક જાળમાં દર્દી ફસાઈ જાય છે જેની તેને ખબર પડતી નથી.
દર્દીએ મેડિકલ ઈન્સોરયન્સ લીધો છે તેવી જાણ થતાં જ અમુક મતલબી ડોક્ટર , દર્દીની સારવારનું બિલ મસમોટું જાણી કરીને બનાવે છે. એ ડોક્ટર જાણે છે કે બિલ વીમા કંપની ભરપાઇ કરવાની છે. પરંતુ દર્દીએ પહેલાં બિલ ચૂકવવાનું હોય છે પછી બે થી ત્રણ મહિને બિલ મંજૂર થાય છે. પણ જાે આમાં કાંઈ શરતચૂક રહી જાય અને બિલ મંજૂર ન થાય કે ઓછી રકમ પાસ થાય તો દર્દીનો મરો જ થઈ જાય છે.
દવા કંપનીના પ્રતિનિધિઓ તરફથી સેમ્પલ માટે અપાયેલી દવાઓ અમુક સ્વાર્થી ડોક્ટરો દર્દીને સારવાર કરતાં પૈસા મેળવી લે છે તેવા દાખલાઓ જાેવા મળે છે.
આ જમાનામાં દર્દીના જીવનની કમાણી મતલબી કે સ્વાર્થી ડોક્ટરમાં સમાણી કહેવામાં અતિશયોકતિ ન કહેવાય.
આમ છતાં ડોક્ટર વર્ગમાં એવા પણ અમુક ડોક્ટરો છે જે સેવાભાવી હોય છે અને પોતાનાં ગાંઠનાં ગોપીચંદન કરીને ગરીબ દર્દીઓની સારવાર કરતાં હોય છે અથવા સારવાર કરવાની ફી પણ લેતા નથી.અમુક ડોક્ટરો દર્દીને સાચી સલાહ આપી ગેરમાર્ગે દોરતા નથી જેથી દર્દીના પર આર્થિક તથા માનસિક રીતે બોજાે રહેતો નથી.
અમુક ડોક્ટર વર્ગ જે કટકી લેવામાં ખોટું માનતા નથી તેના કારણે સમગ્ર તબીબી આલમની છાપ ખરડાય છે. અમુક દવાઓ બનાવતી મોટી મોટી કંપનીઓ દર્દીઓને એમની દવાઓ કરવા અમુક ડોક્ટરોને સમજાવીને વિવિધ પ્રલોભન આપવામાં આવે છે અથવા ભેટ આપીને આકર્ષિત કરે છે
તથા અમુક પેથોલોજી કંપનીઓ દર્દીઓને તેમને ત્યાં મોકલવા અમુક ડોક્ટરને સમજાવીને મસમોટું કમિશનની ઑફર કરતાં હોય છે. આંતરિક સજાવટકર્તા ગ્રાહકોનાં ઘર કે ઓફીસ સુશોભિત કરવામાં ૧૫ થી ૨૦ ટકા સર્વિસ ચાર્જ લે છે તે વાજબી છે પરંતુ માલ સામાન તથા મજૂરીમાં પણ અમુક આંતરિક સજાવટકર્તાઓ પોતાની કટકી લેવામાં પાછા પડતાં નથી.
તેઓ પોતાના ગ્રાહકોને નિશ્ચિત કરેલી ઈલેકટ્રિક, સેનેટરીવેર, હાર્ડવેર કે આરસપહાણની દુકાનેથી જ માલ લેવા સમજાવે છે જેમાંથી તેમને તગડું કમિશન કટકી રૂપે મળી રહે છે તે જગજાહેર છે. જાે કોઈ ગ્રાહક બીજેથી લેવાનો આગ્રહ કરે તો તેઓ સજાવટ કરવામાં રસ ગુમાવી દે છે.
શબગૃહમાં લાવારિસ લાશ રાખવામાં આવી હોય છે પણ મૃતકનાં સગાવહાલાંને શબગૃહમાં પણ પૈસા આપીને શબ મેળવતા નાકે દમ આવી જાય છે મોર્ગમાં કટકી આપ્યા પછી જ મોર્ગના અમુક મતલબી કર્મચારીઓ શબ સોંપવાની વિધિ તરત કરી આપે છે. કોરનર કોર્ટમાં પણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મેળવવા અમુક મતલબી કે સ્વાર્થી કર્મચારીઓને કટકી આપ્યા પછી જ તેઓ વિધિ જલ્દીથી કરી આપે છે.
ટેલિફોન કૌભાંડમા, ઘાંસચારા કૌભાંડમાં તથા ખાતર કૌભાંડમાં મોટા નેતાઓ સંડોવાયેલા હતાં તથા ઘણા ક્ષેત્રોમાં ઘણી મસમોટી કટકી અપાઈ છે. આવો કટકી વ્યવહાર માત્ર નીચલા સ્તરનાં કર્મચારીઓમાં જ નહિ પરંતુ ઉચ્ચ સ્તરે પણ ફેલાઈ ગયો છે.
આજકાલ કટકી ખાનારાઓનાં કોઈક ને કોઈક સમાચારો, ચોમાસાની ઋતુમાં જેમ વીજળી ચમકે છે તેમ વિવિધ અખબારોમાં પણ છપાતા જ રહેતા હોય છે. માનવીના શરીરમાં જેમ કેન્સર ધીરે ધીરે પ્રસરતું જાય છે તેમ તેમ આ કટકી નામનું દૂઃષણ પણ બધાં ક્ષેત્રમાં ફેલાઈ ગયું છે. આ કટકી રૂપી રાક્ષસને નાથવા સરકારે કડક પગલાં લેવા જાેઈએ જેથી આમજનતાને ધણી રાહત થાય.
હાલનાં સંજાેગો જાેતાં લાગે છે કે અમુક માનવીઓમાંથી માનવતા લુપ્ત થઈ ગઈ છે. દરેક નાગરિકે માનવતાની ફરજ સમજીને કટકી વ્યવહાર નાબુદીની ઝુંબેશને ટેકો આપવો જાેઈએ અને લોકોએ કટકી નાબુદ કરવા સંકલ્પ કરવો જ જાેઈએ.
આ લેખમાં મેં મારા અંગત વિચારો દર્શાવ્યા છે. આ મારો અભિપ્રાય કોઈ પણ વ્યવસાય વર્ગને વગોવવાનો ઈરાદો નથી. આ મારા લેખથી કોઈ પણ વ્યક્તિને દુઃખ થયું હોય તો મને માફ કરશો.