જામનગર યાર્ડમાં કપાસ અને જીરુંના ભાવમાં તેજી
જામનગર માર્કેટિંગ યાર્ડમાં જીરું અને કપાસની પુષ્કળ આવક થઇ હતી, તેમજ જીરું અને કપાસના ભાવમાં તેજી જોવા મળી હતી
જામનગર, જીરું અને કપાસની સારી આવક માટે જાણીતા જામનગર યાર્ડમાં પણ જીરું, કપાસનો સૌથી વધુ જથ્થો ઉતારાયો હતો. જામનગર યાર્ડમાં ૧૫૮૫ ખેડૂતો જણસી વેચવા માટે આવતા ૬૨,૨૧૭ મણ જણસી ઠલવાય હતી. ૨૫,૦૮૨ ગુણી જણસીની આવકને પગલે જામનગર યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં જણીસીનાં ઢગલા જોવા મળ્યાં હતાં.
જેમાં આજે પણ જીરું અને કપાસની સૌથી વધુ આવક થઈ હતી. છેલ્લા કેટલાક દિવસની સરખામણી આજે જામનગર યાર્ડમાં સૌથી વધુ જણસીની આવક નોંધાઇ હતી. યાર્ડમાં કપાસના નવ હજાર મણ આવક થઇ હતી અને એક મણનાં ભાવ ૧૧૦૦ રૂપિયાથી લઇને ૧૬૫૦ રૂપિયા બોલાયા હતાં. બીજી તરફ જીરુંની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જીરુંના ભાવ ૩,૦૦૦ રૂપિયાથી લઈ ૫,૨૪૫ રૂપિયા જેવા રહ્યા હતા.
અને આવક ૧૧૯૮૨ મણ જેવી રહી હતી. તેમજ ૨૫૦૦ રૂપિયાથી લઇને ૪૩૨૦ રૂપિયાના ભાવે અજમોના સોદા પડ્યા હતા. અજમોના સારા ભાવ મળતા જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ સહિતના પંથકમાંથી પણ ખેડૂતો અજમો વેચવા માટે જામનગર યાર્ડમાં આવી રહ્યા છે. પરિણામે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ૧૫૯૮ મણ આજમોની આવક થઈ હતી.
યાર્ડમાં ૧૩૦૦ રૂપિયાથી ૨૫૦૦ રૂપિયાના ભાવે ધાણા વેચાયા હતા અને ડુંગળીના ભાવ મણ દીઠ રૂપિયા ૮૦ થી ૪૫૦ જેવા રહ્યા હતા. આજે ૩૩૫૯ મણ ડુંગળી યાર્ડમાં આવી હતી. મગફળી જીણીના ભાવ ૧૦૦૦ રૂપિયાથી ૧૨૦૦ રૂપિયા જેવા રહ્યા હતા. એરંડાના ભાવ ૧૦૮૦ રૂપિયાથી ૧૧૨૬ રૂપિયા અને લસણના ભાવ ૬૫૦ થી ૨૨૬૦ રૂપિયા જેવા જોવા મળ્યા હતા.