ગાંધીનગરના વલાદ બ્રિજ પાસે ફોર્ડ કારમાંથી દેશી દારૂ ઝડપાયા
ગાંધીનગર, ગાંધીનગરના વલાદ બ્રિજ પરથી ડભોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે ફોર્ડ ગાડીમાંથી ૨૪ કટ્ટા ભરીને ૮૧૬ લીટર દેશી દારૃના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કુલ રૂ. ૧.૬૩ લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દારૂ જુગારની અસામાજીક બદીઓ સાથે સંકળાયેલ તેમજ દારૂની હેરાફેરી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ડભોડા પોલીસ મથકના પીએસઆઇ અનિલ વછેટા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
એ દરમિયાન બાતમી મળી હતી કે, એક ફોર વ્હીલ ગાડી(ય્દ્ઘ૦૧ાહ્લ ૨૫૬૧)માં દેશી દારૂનો જથ્થો ભરી મોટા ચિલોડા તરફથી નાના ચિલોડા તરફ આવનાર છે.જેનાં પગલે પોલીસ ટીમ વલાદ ગામના બ્રિજ ઉપર હાઇવે રોડ ઉપર છુટા છવાયા વોચ ગોઠવાઇ ગઈ હતી. ત્યારે બાતમી મુજબની ગાડી આવતાં વાહનોની આડસ કરીને રોકી દેવાઈ હતી. બાદમાં ગાડીના ચાલકનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ અનુપસિંહ દલપતસિંહ સિસોદીયા (રહે. હંસપુરા, મહાદેવજી મંદીર પાસે, અમદાવાદ) હોવાનુ જણાવ્યુ હતું.
બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતાં અંદરથી ૨૪ કટ્ટા ભરીને ૮૧૬ લીટર દેશી દારૃની કોથળીઓનો જથ્થો મળી આવ્યો હતો. જેથી બુટલેગર અનુપસિંહની કડકાઈ થી પૂછતાંછ શરૂ કરતાં આ દારૂનો જથ્થો તલોદ ખાતેથી શની નામના ઇસમ પાસેથી લાવી અમદાવાદ ખાતે પોતાના ત્યાં વેચાણ કરવા માટે જતો હોવાની કબૂલાત કરી હતી. જે અન્વયે પોલીસે તેની ધરપકડ કરી ૧૬ હજાર ૩૨૦ ની કિંમતનો દેશી દારૃનો જથ્થો, ફોર્ડ ફીગો ગાડી મળીને કુલ રૂ. ૧.૬૩ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.