રસ્તા પર બેભાન પડેલા વ્યક્તિની મદદ કરવા જતાં દંપતી પર જીવલેણ હુમલોઃ પતિનું મોત
(એજન્સી)કાલોલ, ધરમ કરતા પડી ધાડ આ ઉક્તિને યથાર્થ ઠેરવતો કિસ્સો પંચમહાલના હાલોલ તાલુકામાં બન્યો છે, જ્યાં મદદ કરવા જતા મોત મળી ગયું. એક નિર્જન રસ્તા પર બેભાનની જેમ પડી રહેલા યુવાનને ઉઠાડી તેની મદદ કરવા પ્રયત્ન કરતા એક દંપતી પર આ યુવાને હુમલો કરતા પતિને ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું!
હાલોલના કંજરી ગામે રહેતા લાલભાઇ નાનજીભાઈ નાયક ઉંમર વર્ષ ૩૫ પોતાની પત્ની મંજુલા સાથે ગત ૨૯ જાન્યુઆરીના રોજ બળતણના લાકડા કાપવા ખેતરમાં જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક યુવાન અર્ધબેભાન અવસ્થામાં પડી રહ્યો હતો. લાકડા કાપવા જતા લાલભાઈ અને તેમના પત્નીને યુવાનની મદદ કરવાની ઈચ્છા થતા લાલાભાઇ એ યુવકને ઉઠાડી નામ અને સરનામું પૂછ્યું. અર્ધબેભાન અને માનસિક અસ્થિર લાગતા યુવકનું કોઈ નજીકમાં ઓળખીતું ન હોય વિડિઓ બનાવી મદદ કરવાનો વિચાર કર્યો.
લાલભાઈ એ અર્ધ મૂર્છિત યુવકનો વિડિઓ બનાવવા ઘણી પૂછપરછ કરી પરંતુ યુવક કઈ બોલવાની જગ્યાએ ઉલ્ટાનો ગુસ્સે ભરાયો. જેથી લાલભાઈ એ પોતાની પત્ની મંજુલાબેન સાથે ત્યાંથી નીકળી જવું મુનાસીબ લાગ્યું. લાલભાઈ જેવા પોતાની પત્ની સાથે થોડા દૂર ચાલતા થયા કે અચાનક પાછળથી માથાના ભાગે પથ્થરના જીવલેણ ઘા પડ્યા. લાલભાઈ અને મંજુલાબેન પોતે કઈ સમજે તે પહેલાં જ ઉપરાછાપરી પથ્થરના ઘાથી લાલભાઈનું પ્રાણ પંખેરું ત્યાં જ ઉડી ગયુ.
સૌથી મહત્વની વાત તો એ હતી કે લાલભાઈ પર હીંચકારો હુમલો કરનાર અન્ય કોઇ નહિ પરંતુ જે અજાણ્યા યુવકની મદદ કરવા માટે લાલભાઈ એ પોતાની પત્ની સાથે પ્રયત્ન કર્યો હતો એ અજાણ્યો યુવક જ હતો. હત્યારા યુવકે મંજુલાબેનની સામે જ પતિ લાલભાઈની પથ્થરોના ઘા મારી ઘાતકી અને કરપીણ હત્યા કરી નાખી હતી.
ઘટના સ્થળે લોહીલુહાણ હાલતમાં લાલભાઈની લાશ પડી હતી. પોતાના પતિને બચાવવા ઝઝુમી રહેલા મંજુલાબેને આસપાસના સ્થાનિકોને બુમાબુમ કરી ભેગા કરી ૧૦૮ને કોલ કર્યો. પરંતુ ઘણું મોડું થઈ ચૂક્યું હતું. લાલાભાઇ નાયકે પોતાની પત્ની સામે જ જીવ ગુમાવ્યો.