અમદાવાદ પૂર્વમાં દંપતીનો પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થયા બાદ સમાધાન થઇ જતાં ફરીથી સાથે રહેવા લાગ્યા
મોબાઇલ પડી ગયો ને અંગત પળોનો વીડિયો વાયરલ થયો
અમદાવાદ,અમદાવાદ પૂર્વમાં એક દંપતી ઘરના આંગણમાં બેસીની વાતો કરી રહ્યું હતું ત્યારે તેમના એક સ્વજન ઘરે આવ્યા અને તેમણે દંપતી મનોજ અને વંદના (નામ બદલ્યા છે)ના ખબર અંતર પૂછીને કહ્યું કે, તમને ખબર પડી કે નહીં? અજાણ મનોજ અને વંદનાએ કંઇ જ જાણતા ન હોવાનું કહેતા સ્વજને રહસ્ય ખોલતા કહ્યું કે, તમારા બેડરૂમના દૃશ્યોવાળો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે! પહેલા તો પતિ-પત્ની આ વાત માનવા તૈયાર ન હતા, પરંતુ જ્યારે પેલા સ્વજને તેમને વીડિયો બતાવ્યો ત્યારે પતિ પત્ની ચોંકી ઊઠ્યા હતા.
આ સમગ્ર બાબતે તપાસ કરતા ખબર પડી કે, તેમનો મોબાઇલ ફોન ક્યાંક પડી ગયો હતો અને તે ફોનની અંદર તેમના અંગત પળોના વીડિયો હતા, જે કોઈ વ્યક્તિના હાથમાં મોબાઈલ આવ્યો હતો તેણે આ વીડિયો વાયરલ કરી દીધા હતા. અંતે આ મામલો શાહપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો. દંપતીની ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદ પૂર્વમાં ઘટેલી અસામાન્ય ઘટનાની ચોંકાવનારી વિગતો એવી છે કે, મનોજ અને વંદનાએ સામાજિક રિતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછી બંને વચ્ચે મનમેળ ન રહેતા તેઓ છૂટાછેડા લઈ લીધા હતા. જોકે, સમયનું ચક્ર ફર્યું અને તેઓ ફરીથી એકબીજાને મળ્યા અને જૂના ઝઘડા-મનદુઃખ ભૂલીને ફરીથી પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યા હતા.
અચાનક જ એક ઘટના એવી બની કે, ખરેખર દંપતીને હચમચાવી દીધા. મનોજ અને વંદના નાનો- મોટો વેપાર કરીને ગુજરાન ચલાવતા હતા. દરમિયાન તેઓ એક દિવસ પોતાના સગાને ઘરે રહેવા માટે ગયા અને રાત્રિ રોકાણ પણ કર્યું હતું. તે સમયે પતિ-પત્નીએ સંબંધો બાંધ્યા હતા. જેને પતિએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યા હતા અને આ બાબતે બંનેની સહમતિ હતી. દરમિયાન પતિ-પત્ની ખરીદી કરવા ગયા હતા ત્યારે પત્નીના હાથમાંથી આ ફોન પડી ગયો અને તેની તેને જાણ પણ ના થઈ. ફોન પડી ગયા પછી તેમણે આ અંગે પોલીસને જાણ ન કરી કે ફરિયાદ પણ કરી ન હતી. બધું રાબેતામુજબ ચાલી રહ્યું હતું, પરંતુ એક અઠવાડિયા પછી તેમના ઘરે આવેલા પરિચિત થકી ફોનમાં રેકોર્ડ કરેલા અંતરંગ પળોના દૃશ્યો વાયરલ થયાની જાણ થઈ હતી.
પહેલા તો મનોજ અને વંદના આ સાંભળીને શું કરવું તેની ખબર ન પડી. એટલું જ નહીં, વીડિયો જોઈને તેઓ ગભરાઈ ગયા હતા અને સમાજમાં બદનામી થશે તેવું વિચારીને ચિંતામાં મૂકાઈ ગયા હતા. અંતે આ મામલે તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦માં ફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ આ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટના ભલે હાલ પોલીસ ચોપડે નોંધાઈ પણ દરેક દંપતી અથવા પ્રેમી પંખીડાઓ એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે અંગત બાબતો મોબાઇલમાં હોય અને તે કદાચ લીક થાય તો તમે તેને ક્યાંય રોકી નહીં શકો. તેથી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.ss1