‘કોફી’ અને ‘ડીનર’ સાથે લઇને દંપતિ સમસ્યાનું સુખદ સમાધાન લાવી શકે: સુપ્રીમ

નવી દિલ્હી, દાંપત્યજીવન, એની તકરારો અને છુટાછેડા સુધી પહોંચતા અનેક દંપતિઓ માટે સુપ્રીમ કોર્ટનો એક સરાહનીય સૂચન કરતો આદેશ સામે આવ્યો છે.
જેમાં સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના કાનૂની જંગમાં ઉતરેલાં એક દંપતિને એવું કહ્યું છે કે,‘કોફીના એક કપ પર ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે, તેમણે સાથે મળીને કોફી પીને અથવા તો ડીનર લઇને પોતાની લગ્નજીવનની સમસ્યાનું સુખદ સમાધાન લાવવું જોઇએ.’એક ખૂબ જ અપવાદ રૂપ કહી શકાય એવી ઘટના સુપ્રીમ કોર્ટ સમક્ષ આવેલા એક કેસમાં બની છે.
જેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરથના અને જસ્ટિસ સતીષચંદ્ર શર્માની ખંડપીઠ એક માતાએ કરેલી અરજી ઉપર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં ફેશન આંર્ત્યપ્રિન્યોર મહિલાએ તેના ત્રણ વર્ષના બાળકને પોતાની સાથે વિદેશ ટ્રાવેલ પર લઇ જવાની દાદ માગી હતી. અરજીની સુનાવણીમાં ખંડપીઠે એવું મર્મસ્પર્શી સંવાદ અને સૂચન કર્યું હતું કે,‘તમારું બાળક માત્ર ત્રણ વર્ષનું છે.
તમારી (દંપતિ) વચ્ચે કયો અહમ્ આવી ગયો છે? અમારી કેન્ટિન તો તમારા માટે ઉપયુક્ત નથી. પરંતુ અમે તમને એક ડ્રોઇંગ રૂમ ફાળવીશું. ત્યાં તમે બંને આજ રાત્રે ડીનર માટે ભેગા થાઓ અને ત્યાં કોફીના એક કપ પર તમારી વચ્ચેના સમાધાનનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો.’
એટલું જ નહીં સુપ્રીમની ખંડપીઠે એવી સંવેદનાત્મક ટકોર કરી હતી કે,‘દંપતિએ તેમના વરવા ભૂતકાળને એક કડવી દવાની જેમ ગળી જવી જોઇએ અને ભવિષ્યનો વિચાર કરવો જોઇએ.’આ કેસમાં દંપતિ વચ્ચેના મતભેદમાં કોઇ હકારાત્મક ઉકેલ સામે આવી શકે એ વિચારીને સુપ્રીમ કોર્ટે કેસની વધુ સુનાવણી મંગળવારે રાખી છે.
આ મામલે અરજદાર મહિલા તેના બાળક સાથે વિદેશ જવા માંગતી હોવાની રજૂઆત તેમના તરફથી ઉપસ્થિત સિનિયર એડવોકેટે કરી હોવાથી સુપ્રીમ કોર્ટ બંને પક્ષોને એકબીજા સાથે વાતચીત કરીને કોર્ટને આવતીકાલ મંગળવાર સુધી જવાબ આપવા કહ્યું છે.SS1MS